દેવરા કલેક્શન: જુનિયર NTRએ પહેલા જ દિવસે અલ્લુ અર્જુન, શાહરુખ જેવા સ્ટાર્સને પછાડ્યા
Devara Part 1, Jr NTR : ગઈ કાલે સાઉથની ફિલ્મ 'દેવરા પાર્ટ 1' સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર , જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાન આ ફિલ્મમાં અભિનય કરી રહ્યા છે. રિલીઝ થયાના પહેલા જ દિવસે 'દેવરા'એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. આ ફિલ્મને થિયેટરમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાઉથમાં આ ફિલ્મને લઈને લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પહેલા દિવસની કમાણીના આંકડા પણ સામે આવી ગયા છે.
એક અહેવાલ અનુસાર, પહેલા દિવસે આ ફિલ્મે 77 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય ફિલ્મે તેલુગુમાં 68.6 કરોડ, હિન્દીમાં 7 કરોડ, તામિલમાં 0.8 કરોડ, કન્નડમાં 0.3 કરોડ અને મલયાલમમાં 0.3 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ જુનિયર એનટીઆરની આ ફિલ્મે શાહરૂખ ખાનની 'પઠાણ', રણબીર કપૂરની 'એનિમલ' અને અલ્લુ અર્જુનની 'પુષ્પા' ફિલ્મની પહેલા દિવસની કમાણીની બાબતમાં બધાને પાછળ છોડી દીધા છે.
બોલીવુડના કિંગ શાહરૂખ ખાનની 'પઠાણ' ફિલ્મે ભારતમાં પહેલા દિવસે લગભગ 55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે રણબીર કપૂરની 'એનિમલ'એ શરૂઆતના દિવસે 50 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું હતું. અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા'એ રિલીઝ થયાના પહેલા દિવસે 52.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જુનિયર એનટીઆરની 'દેવરા' ફિલ્મે ત્રણેય ફિલ્મોને કમાણીના મામલામાં માત આપી દીધી છે.
આ પણ વાંચો : સાઉથના આ સુપરસ્ટારની પત્નીએ જૂહી ચાવલાને 'લો સોસાયટી'ની ગણાવી! ફેન્સ ચોંક્યા
આ ફિલ્મો સિવાય જુનિયર એનટીઆર હજુ સુધી પ્રભાસની છેલ્લી બે ફિલ્મોને પાછળ છોડી શક્યો નથી. પ્રભાસની 'સાલાર' અને ‘કલ્કી 2898 એડી’ ફિલ્મ શરૂઆતના દિવસની કમાણીના મામલામાં ‘દેવરા’ કરતાં ઘણી આગળ છે. 'સાલાર'એ તેની રિલીઝના પહેલા દિવસે 90 કરોડથી વધુની કમાણી કરી હતી. જ્યારે 'કલ્કી 2898 એડી' એ 95 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.