'તમે મોત વેચી રહ્યાં છો...' જ્હોન અબ્રાહમે પાન મસાલાની એડને લઇને કહી આ વાત
John Abraham On Pan Masala Ads: બોલિવૂડ સેલેબ્સની પાન મસાલાની જાહેરાતને લઈને ઘણા વિવાદો થયા છે. આવી સ્થિતિમાં, ઘણા સ્ટાર્સે પાન મસાલાને પ્રમોટ કરવાની ઓફર સ્વીકારવાની ના પાડી દીધી છે. બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'વેદ'ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન, એક પોડકાસ્ટમાં, એક્ટરે કહ્યું કે, હું પાન-મસાલાની જાહેરાત નહી કરુ અને જે પણ આ જાહેરાત કરે છે તે મોત વેચી રહ્યાં છે.
જ્હોન અબ્રાહમે કહ્યું- 'જો હું મારું જીવન પ્રામાણિકપણે જીવીશ અને જે પ્રચાર કરું છું તેનો અમલ કરું તો જ હું એક આઇડલ છું. પરંતુ જો હું મારી જાતનું નકલી સંસ્કરણ લોકો સમક્ષ રજૂ કરું છું અને તેમની પીઠ પાછળ કોઈ અલગ વ્યક્તિ જેવું વર્તન કરું છું, તો લોકો મને નહિ પરંતુ મારા રજૂ કરેલા (સારા કે ખરાબ) કિરદારને જ ઓળખશે. ફિટનેસની વાત કરતા લોકો જ પાન મસાલાનો પ્રચાર કરે છે.'
'તમે મૃત્યુ વેચી રહ્યા છો...'
'વેદ' અભિનેતા કહે છે- 'હું મારા બધા અભિનેતા મિત્રોને પ્રેમ કરું છું અને હું તેમાંથી કોઈનો પણ અનાદર નથી કરતો. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, હું મારા વિશે વાત કરી રહ્યો છું. હું પૈસા ખાતર ક્યારેય મોત નહિ વેચુ કારણકે તે મારા સિદ્ધાંતની વાત છે. શું તમે જાણો છો કે પાન મસાલા ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 45,000 કરોડ રૂપિયા છે? મતલબ કે સરકાર પણ તેને સમર્થન આપી રહી છે... અને તેથી જ તે પણ ગેરકાયદેસર નથી.'
મહત્વનું છે કે, અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગણે સાથે મળીને પાન મસાલાનું એડમાં પ્રમોશન કર્યું હતુ. આ એડ માટે ત્રણેય સ્ટાર્સનો ઘણો વિરોધ થયો હતો, જે પછી અક્ષય કુમારે માફી માંગી હતી અને કહ્યું હતુ કે તે હવે ક્યારેય પાન મસાલાની જાહેરાત નહીં કરે.