ફિલ્મ અભિનેત્રી જયા પ્રદા ફરાર જાહેર... શોધીને કોર્ટમાં રજૂ કરવા પોલીસને આદેશ, જાણો સમગ્ર મામલો
કોર્ટે સાત વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છતાં જયા પ્રદા હાજર ન થતા તેમને શોધી કોર્ટમાં રજુ કરવા આદેશ આપ્યો
Jaya Prada Election Code of Conduct Case : જાણિતી ફિલ્મ અભિનેત્રી અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના રામપુર જિલ્લાની પૂર્વ સાંસદ જયા પ્રદાને કોર્ટે આખરે ફરાર જાહેર કર્યા છે. લોકસભા ચૂંટણી-2019માં BJPના ઉમેદવાર રહેલા જયા પ્રદા પર રામપુરમાં આચાર સંહિતના બે કેસ નોંધાયા હતા, જેની રામપુરની એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટ (મેજિસ્ટ્રેટ ટ્રાયલ)માં ચાલી રહી છે.
સાત વખત બિનજામીનપાત્ર વોરંટ છતાં હાજર ન થયા
મળતા અહેવાલો મુજબ આ કેસમાં જયા પ્રદાને હાજર થવાનો આદેશ અપાયા છતાં તેમજ કોર્ટ દ્વારા પણ વારંવાર સમન્સ પાઠવાયું હોવા છતાં તેઓ હાજર થયા નથી. ત્યારબાદ તેમના વિરુદ્ધ વોરંટ અને પછી બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કરાયું હતું, તેમ છતાં તેઓ કોર્ટમાં હાજર ન થયા. કોર્ટે જયા પ્રદાન વિરુદ્ધ સાત વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. ત્યારબાદ પોલીસ અધિક્ષક રામપુરે જયા પ્રદાને વારંવાર લખી હાજર થવા આદેશ આપ્યો, તેમ છતાં તેઓ હાજર થયા નહીં.
શોધીને કોર્ટમાં રજૂ કરવા પોલીસને આદેશ
હવે કોર્ટે મંગળવારે કડક વલણ અપનાવી પૂર્વ સાંસદ જયા પ્રદાને ફરાર જાહેર કર્યા છે. આ ઉપરાંત કોર્ટે તેમના વિરુદ્ધ 82 CRPCની કાર્યવાહી કરી પોલીસ અધિક્ષકને ડેપ્યુટી એસપીના નેતૃત્વમાં એક ટીમ બનાવવા અને તેમને 6 માર્ચ-2024ના રોજ કોર્ટમાં રજૂ કરવા સૂચના આપી છે.
જયા પ્રદાનો ફોન સ્વિચ ઑફ
એક વરિષ્ઠ પ્રોસિક્યુશન ઓફિસર અમરનાથ તિવારી જણાવ્યું કે, ‘રામપુરની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ MP-MLA કોર્ટમાં જયા પ્રદા વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘન સંબંધિત કેસ ચાલી રહ્યો છે. વારંવાર સમન્સ બજાવવા છતાં તેઓ કોર્ટમાં હાજર થયા નથી. તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું, છતાં તેઓ હાજર ન થયા. ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર રંજી દ્વિવેદીએ પોલીસ સ્ટેશનમાં મોકલેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, જયા પ્રદા પોતાને બચાવી રહી છે અને તેમનો મોબાઈલ સ્વિચ ઑફ છે.’