જાણો કેવી રીતે ડર અને શરમના માર્યા જાવેદ અખ્તરે ‘એક લડકી કો દેખા તો એસા લગા’ ગીત રચ્યું હતું
જગજીતની પ્રખ્યાત ગઝલ ‘તુમ કો દેખા તો યે ખયાલ આયા...’ નવ જ મિનિટમાં લખી હતી
Most Romantic Song: અનિલ કપૂર અને મનીષા કોઈરાલા અભિનિત ફિલ્મ '1942 અ લવ સ્ટોરી'નું ક્લાસિક ગીત 'એક લડકી કો દેખા તો ઐસા લગા...' કોણ ભૂલી શકે! આ ગીત આજે પણ લોકો સાંભળી રહ્યા છે પણ શું તમને ખબર છે કે આ ગીત લખવાની પ્રેરણા જાવેદ અખ્તરને કેવી રીતે મળી હતી. આ ગીતના શબ્દો પાછળની પ્રેરણા હતી, ડર અને શરમ. એવી જ રીતે, જગજીત સિંહની પ્રખ્યાત ગઝલ ‘તુમ કો દેખા તો યે ખયાલ આયા...’ જાવેદ અખ્તરે ફક્ત નવ મિનિટમાં લખી હતી. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં તેમણે આવા રસપ્રદ કિસ્સા સંભળાવ્યા છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં.
જાવેદ અખ્તરે શેર કર્યો મજેદાર કિસ્સો
આ ઈન્ટરવ્યૂમાં જાવેદ અખ્તર કહે છે કે ‘મેં ફિલ્મ ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાના મ્યુઝિક રૂમમાં ‘1942 અ લવ સ્ટોરી’ની સ્ક્રિપ્ટ સાંભળી હતી. ત્યારે મેં જ તેમને સૂચન કર્યું કે આ દૃશ્યમાં તો એક ગીત હોવું જોઈએ. ત્યારે ચોપરા સાહેબે કહ્યું કે મારી સ્ટોરીમાં છોકરો છોકરી એકબીજાને મળ્યા જ નથી. તેમણે માત્ર એકબીજાની ઝલક જ જોઈ છે. તે દૃશ્યમાં ગીત કેવી રીતે મૂકી શકાય? પણ હું મક્કમ રહ્યો. તેથી ચોપરા સાહેબે મને એક ગીત લખવા ચાર દિવસનો સમય આપ્યો.’
જોકે આ મીટિંગ પૂરી થતા જ જાવેદ અખ્તર તો આ વાત ભૂલી ગયા. એટલે તેમણે ચાર દિવસમાં ગીત વિશે કંઈ વિચાર્યું પણ નહીં અને કશું લખ્યું પણ નહીં. પછી ચોથો દિવસ આવ્યો અને તેમને યાદ આવ્યું કે મારે તો વિધુ વિનોદ ચોપરાને મળીને એક ગીત આપવાનું છે. આ અંગે તેઓ કહે છે કે ‘હું કાર ડ્રાઈવ કરીને તેમને મળવા જતો હતો. મને ખૂબ જ શરમ આવતી હતી. હું તણાવમાં હતો અને ડરેલો પણ હતો. મારા કારણે જ એ મીટિંગ ગોઠવાઈ હતી પણ ગીત તૈયાર ન હતું. હું વિચારતો હતો કે હવે તેમને શું જવાબ આપીશ. એવું તો કહેવાય નહીં કે, ભૂલી ગયો. છેવટે તેમની ઓફિસ પહોંચ્યો અને કહ્યું કે મારી પાસે પહેલી પંક્તિ છે, ‘એક લડકી કો દેખા તો ઐસા લગા...’ જો તમને આ પસંદ હોય તો બાકીની લાઈનમાં હું છોકરીને ઉપમાઓ આપતો જઈશ.’
ડર, શરમ અને તણાવમાં રચાયું રોમેન્ટિક ગીત
આ ઘટના યાદ કરીને ખડખડાટ હાસ્ય સાથે જાવેદ અખ્તર કહે છે કે ‘આ આઈડિયા તેમને ગમ્યો અને મેં ખૂણામાં બેસીને પહેલો ફકરો લખ્યો. તે વાંચતા જ આર.ડી. બર્મને કંઈ વિચાર્યા વિના જ શરૂઆતની પંક્તિઓથી ગીત સંગીતબદ્ધ કરવાનું શરૂ કર્યું અને તૈયાર પણ થઈ ગયું. હું અનેક મહિલાઓને કહી ચૂક્યો છું કે આ ગીતની પ્રેરણા તમે છો પણ હકીકતમાં આ ગીતની પ્રેરણા તો ડર અને શરમ હતા.’ નોંધનીય છે કે, ફિલ્મમાં આ ગીત કુમાર શાનુએ ગાયું હતું.
જગજીતની પ્રખ્યાત ગઝલ લખાઈ નવ જ મિનિટમાં
આ જ ઈન્ટરવ્યૂમાં જાવેદ અખ્તર જગજીત સિંહ સાથે સંકળાયેલો એક રસપ્રદ કિસ્સો પણ યાદ કર્યો છે. આ વાત યાદ કરતા તેઓ કહે છે કે ‘જગજીત સિંહની પ્રખ્યાત ગઝલ ‘તુમ કો દેખા તો યે ખયાલ આયા’મેં ફક્ત નવ મિનિટમાં લખી હતી. વાત એમ હતી કે આ ફિલ્મના ડિરેક્ટર રમન કુમારને મોડું થતું હતું અને તેમણે દિવસની છેલ્લી ટ્રેન પકડવાની હતી. તેથી મેં ખૂબ ઝડપથી એ ગીત લખી નાંખ્યું.’ નોંધનીય છે કે આ ગીત 1982ની ફિલ્મ ‘સાથ સાથ’ માટે તૈયાર કરાયું હતું, જેમાં ફારુક શેખ અને દીપ્તિ નવલે અભિનય કર્યો હતો.