‘એનિમલ’ જેવી ફિલ્મ હિટ થઈ જાય તે ખતરનાક કહેવાય, જાવેદ અખ્તરના નિવેદનથી ખળભળાટ
જાવેદ અખ્તરે ફિલ્મના ડાયલૉગ્સનો ઉલ્લેખ કરી આડકતરી ટીકા કરી
વખાણ અને ટીકા વચ્ચે ફિલ્મ એનિમલનું વર્લ્ડવાઈડ કલેક્શન 850ને પાર
રણબીર કપૂર (Ranbir Kapoor) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અભિનીત બોલિવૂડ ફિલ્મ ‘એનિમલ’ (Animal Movie) બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે. હિન્દી સહિત અનેક ભાષામાં રિલિઝ થયેલી આ ફિલ્મે 886 કરોડથી પણ વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. એકતરફ ફિલ્મના ભરપુર વખાણ થઈ રહ્યા છે, તો બીજીતરફ ટીકા પણ થઈ રહી છે. હવે જાવેદ અખ્તરે (Javed Akhtar) આ ફિલ્મ બ્લૉકબસ્ટર હિટ જવાની બાબતને ખતરનાક કહી છે.
ફિલ્મ ‘એનિમલ’ હિટ થવી ખતરનાક
દિગ્ગજ ફિલ્મ સ્ક્રિપ્ટ અને ગીત લેખક જાવેદ અખ્તરે આજે ઓરંગાબાદના એલોરા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે સફળ ફિલ્મો અંગે વાત કરતા કહ્યું કે, ‘જો કોઈ ફિલ્મમાં એક વ્યક્તિ એક મહિલાને કહે ‘તૂ મારા જુતા ચાટ’, જો એક વ્યક્તિ કહે ‘આ મહિલાને થપ્પડ મારવામાં શું ખોટું છે’, તે ફિલ્મ સુપર હિટ જાય તો મોટી ખતરનાક વાત છે.
જાવેદ અખ્તરે નામ લીધા વગર કર્યો ઈશારો
જાવેદ અખ્તરે આડકતરી રીતે રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’નું નામ લીધું ન હતું, પરંતુ ફિલ્મના ડાયલૉગ્સનો ઉલ્લેખ કરી સ્પષ્ટ કહ્યું કે, તેઓ આ અંગે જ વાત કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ફિલ્મમાં રણબીર કપૂરે તૃપ્તિ ડિમરીના પાત્રને જૂતા ચાટવા કહ્યું છે. તૃપ્તિ તેના પાત્રના પ્રેમમાં પડી છે.
અર્શદ વારસીની વિરોધાભાસી વાત
તાજેતરમાં ફિલ્મ વિશે પોતાનો દ્રષ્ટિકોણ રજુ કરતા 'મુન્નાભાઈ'નો સર્કિટ અર્શદ વારસીએ કહ્યું હતું કે, 'સીરિયસ ઍક્ટરો ભલે 'એનિમલ'ને ધિક્કારતા, પણ મને ફિલ્મ ગમી છે. એ કિલ બિલના મેલ વર્ઝન જેવી છે. સિનેમા પ્રત્યેનો મારો આખો પોઇન્ટ ઑફ વ્યૂ અલગ છે. હું ફિલ્મોને કમ્પ્લીટ એન્ટરટેઈનમેંટ તરીકે જોઉં છું. તમે મનોરંજન ખાતર તો થિયેટરમાં ફિલ્મ જોવા જાવ છો. ફિલ્મ જોતી વખતે બહુ બધું વિચારવાનું મને નથી ગમતું. મારે એમાંથી શીખવું નથી અને બોધપાઠ પણ લેવો નથી. એ બધુ તો હું સ્કૂલમાં ભણી ચુક્યો છું.' ફિલ્મ અને ડિરેક્ટરના વિઝનનો બચાવ કર્યા બાદ વારસીએ એમ કહીને શ્રોતાઓને ચોંકાવી દીધા કે ઍક્ટર તરીકે હું પોતે આવી ફિલ્મમાં કામ ન કરું. પોતાના આવા વિરોધાભાસી વલણ વિશે વિગતવાર ખુલાસો કરતા ઍક્ટર કહ્યું હતું કે, 'અમુક એવી બાબતો હોય છે જે આપણને જોવી ભલે ગમે, પણ કરવી નથી ગમતી. દાખલા તરીકે, ઈન્દ્ર કુમારે મને 'ગ્રાન્ડ મસ્તી' ઑફર કરી ત્યારે મેં ના પાડી દીધી હતી. મને એ પ્રકારની ફિલ્મો ગમતી નથી. મને સેક્સ કોમેડીઝમાં ભૂમિકા કરવી ભલે ન ગમતી હોય, પણ એ જોવામાં વાંધો નથી. આ વાત કદાચ તમને ફની લાગશે. એમ તો મને પોર્ન ફિલ્મો જોવી ગમે છે, પણ હું એમાં કામ ન કરું.'
કરણ જોહરે ફિલ્મ કર્યા ભરપુર વખાણ
અગાઉ કરણ જોહરે ફિલ્મ 'એનિમલ' વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય પર પહોંચવામાં મને થોડો સમય અને ઘણી હિંમત લાગી કારણ કે જ્યારે આપણે લોકોની આસપાસ હોઈએ છીએ ત્યારે આ પ્રકારના નિર્ણયો લેવાથી ડરીએ છીએ. જેમ કે 'કબીર સિંહ'ના સમયમાં થયું હતું. તે ફિલ્મ પણ મને પસંદ આવી હતી. મને એવું લાગી રહ્યું હતું કે હું કંઈક એવું કહેવા જઈ રહ્યો છું જેનાથી લોકો મને ટ્રોલ કરશે પરંતુ હવે મને ફર્ક નથી પડતો. અંતમાં જ્યારે વ્યક્તિ લડાઈ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે સોન્ગ વાગે છે. મારી આંખોમાં આંસુ હતા પરંતુ ત્યાં માત્ર લોહી હતું. તેમણે કહ્યું કે, મેં આ ફિલ્મ બે વખત જોઈ છે. પહેલી વખત એક દર્શક તરીકે અને બીજી વખત તેને સ્ટડી કરવા માટે જોઈ હતી. મને લાગે છે કે, એનિમલની સફળતા અને તેને પસંદ કરવું ગેમ-ચેન્જિંગ છે.