ફિલ્મ 'આરસી 16'માં રામ ચરણ સાથે મુખ્ય ભૂમિકામાં નજર આવશે જ્હાનવી, પિતા બોની કપૂરે કરી પુષ્ટિ
- ફિલ્મ 'આરસી 16'નું નિર્દેશન બૂચ્ચી બાબુ સના કરશે
Image Source: Twitter
મુંબઈ, તા. 19 ફેબ્રુઆરી 2024, સોમવાર
જ્હાનવી કપૂર હાલમાં પોતાના તેલુગુ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. એક તરફ અભિનેત્રી જુનિયર એનટીઆર સાથે 'દેવરા'માં મુખ્ય ભૂમિકામાં નજર આવશે. તો બીજી તરફ એવા પણ સમાચાર હતા કે તે રામ ચરણ સાથે 'RC 16'માં પણ કામ કરશે. આ વચ્ચે હવે ફિલ્મ નિર્માતા બોની કપૂરે તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવતા પુષ્ટિ કરી છે કે જ્હાનવીએ તેનો બીજો તેલુગુ પ્રોજેક્ટ સાઈન કર્યો છે. તે ટૂંક સમયમાં બૂચ્ચી બાબુ સના સાથે તેના આગામી પ્રોજેક્ટમાં રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરશે.
રામ ચરણ અને સૂર્યા સાથે કામ કરશે જ્હાનવી
બોની કપૂરે કહ્યું કે, 'મારી પુત્રી જુનિયર એનટીઆર સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. તે ટૂંક સમયમાં રામ ચરણ સાથે પણ ફિલ્મ શરૂ કરશે. રામચરણ અને જુનિયર એનટીઆર બંને ખૂબ સારા છોકરાઓ છે. જ્હાનવી ઘણી બધી તેલુગુ ફિલ્મો જોઈ રહી છે અને તેમની સાથે કામ કરીને ધન્યતા અનુભવે છે. મને આશા છે કે દર્શકોને જ્હાનવીની ફિલ્મ દેવરા પસંદ આવશે. જ્હાનવી ટૂંક સમયમાં સૂર્યા સાથે પણ સ્ક્રીન શેર કરશે. પત્ની શ્રીદેવીને યાદ કરતાં તેમણે કહ્યું કે, શ્રીદેવીએ પણ ઘણી ભાષાઓમાં અભિનય કર્યો હતો અને મને આશા છે કે મારી પુત્રી પણ આવું જ કરશે.
જ્હાનવી કપૂર દેવરાના શૂટિંગમાં વ્યસ્ત
જ્હાનવી કપૂર હાલમાં જુનિયર એનટીઆર સાથે ફિલ્મ 'દેવરા'માં કામ કરી રહી છે. અભિનેત્રી આ ફિલ્મથી તેલુગુમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન કોરાતાલા શિવા દ્વારા કરવામાં આવ્યું છે. પ્રકાશ રાજ, શ્રીકાંત, શાઈન ટોમ ચાકો, નારાયણ, કલૈયારાસન, મુરલી શર્મા અને અભિમન્યુ સિંહ સહાયક કલાકારોનો ભાગ છે. બીજી તરફ 'RC16' માં તેની ભૂમિકાએ તેને તેલુગુ સિનેમામાં તેની અભિનય કૌશલ્ય દર્શાવવાની બીજી મોટી તક આપી છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી જ્હાનવીના ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે.
રામચરણની ફિલ્મ 'RC 16'ની વાત કરીએ તો તેનું નિર્દેશન બૂચ્ચી બાબુ સના દ્વારા કરવામાં આવશે. આરસી 16માં રામચરણ ઉપરાંત જ્હાનવી કપૂર અને શિવ રાજકુમાર લીડ રોલમાં જોવા મળશે. કન્નડ સુપરસ્ટાર શિવા આ ફિલ્મથી પોતાનું તેલુગુ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.