જાહ્વવી કડકડાટ તમિલમાં બોલી જતાં ચાહકો મુગ્ધ
- દેવરા ફિલ્મના પ્રમોશનમાં તમિલમાં નિવેદન
- ઘરે બંને સંતાનો તમિલમાં જ વાત કરે તેવો માતા શ્રીદેવીએ આગ્રહ રાખ્યો હતો
મુંબઇ : જાહ્વવી કપૂરને 'દેવરા' ફિલ્મના પ્રમોશન વખતે કડકડાટ તમિલ બોલતી સાંભળી તેના ચાહકો મુગ્ધ બની ગયા હતા. તેમણે જાહ્વવીની સ્પીચને વખાણી હતી. ચેન્નઈમાં 'દેવરા' ફિલ્મનું પ્રમોશન યોજાયું હતું. જાહ્વવી સાથે જુનિયર એનટીઆર સાથેના કલાકારો હાજર હતા. જાહ્વવીએ મીડિયાને તમિલમાં જ સંબોધન કરતાં સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. જાહ્વવીએ કહ્યું હતું કે તમે સૌએ મારી માતા શ્રીદેવીને જે પ્રેમ આપ્યો છે તેવો જ પ્રેમ મને મળશે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીએ સંતાનોના ઉછેર દરમિયાન તેઓ ઘરે તમિલ ભાષામાં જ વાત કરે તેવો આગ્રહ રાખ્યો હતો. આથી બાળપણથી જ ખુશી અને જાહ્વવી બહુ સારું તમિલ બોલી શકે છે.
આ વીડિયો સંદર્ભમાં ચાહકોએ કોમેન્ટ કરી હતી કે હાલ મોટાભાગના બોલીવૂડ કલાકારોને સરખું હિંદી બોલવાના પણ ફાંફા છે. તેમને હિંદી ડાયલોગ પણ અંગ્રેજી લિપિમાં લખી આપવા પડે છે તેની સામે જાહ્વવીએ ખરા અર્થમાં પોતાની માતૃભાષા જાળવી રાખી છે તે પ્રશંસનીય છે.