ઈન્સ્ટેસ્ટેલરને પુષ્પા-ટુ કરતાં વધુ સારી ફિલ્મ ગણાવાતાં જાહ્નવી કપૂર નારાજ
- આપણને પશ્ચિમની ઘેલછા કેમ છે, જાહ્નવીનો સવાલ
- પુષ્પાએ બધાં આઈમેકસ થિયેટર રોકી લીધાં હોવાથી ઈન્ટેસ્ટેલર ભારતમાં રીલિઝ ન થઈ
મુંબઇ: ક્રિસ્ટોફર નોલાનની 'ઈન્ટેસ્ટેલર'ને 'પુષ્પા ટૂ' કરતાં બહેતર અને મહાન ફિલ્મ ગણાવાતાં આ સરખામણીથી જાહ્નવી કપૂર બહુ નારાજ થઈ ગઈ છે. તેણે આપણને પશ્ચિમની આટલી ઘેલછા કેમ છે, ક્યાં સુધી આપણે એ લોકોને જ આદર્શ માનતા રહેશું તેવો સવાલ ઉઠાવ્યો છે.
ક્રિસ્ટોફર નોલાનની 'ઈન્સ્ટેટેલર' વિદશમાં આઈમેક્સમાં રી રીલિઝ થઈ છે. જોકે, ભારતમાં હાલ તમામ આઈમેક્સ થિયેટર્સ 'પુષ્પા ટૂ' દ્વારા બૂક થઈ ચૂક્યાં હોવાથી ભારતમાં તે રી રીલિઝ થઈ શકી નથી .આ સંદર્ભમાં એવી કોમેન્ટસ જોવા મળી રહી છે કે 'પુષ્પા ટૂ' જેવી તદ્દન કમર્શિઅલ મસાલા ફિલ્મ ખાતર થઈને ભારતીય ફિલ્મ ચાહકો એક ઉમદા ફિલ્મથી વંચિત રહ્યા છે.
જાહ્નવી કપૂર આવી ટીકાઓ સામે ભડકી છે. તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં 'પુષ્પા ટૂ'ને ઉતારી પાડવાની આકરી ટીકા કરી હતી અને શા માટે આપણે પશ્ચિમનું હોય એ જ બધું આદર્શ અને શ્રેષ્ઠ માનવું તેવી ટીકા કરી છે. તેણે કહ્યું છે કે 'પુષ્પા ટૂ' એ આપણી પોતાની સિનેમા છે. પોતાનાં મૂળિયાંની વાત કરતી કે લાર્જર ધેન લાઈફ ચિત્રણ ધરાવતી પોતાની ફિલ્મો માટે અન્ય દેશો ગૌરવ અનુભવતા હોય છે જ્યારે આપણે આપણી ભૂમિ સાથે સંકલાયેલી એ પ્રકારની ફિલ્મોને વગોવીએ છીએ એ બહુ ખોટું છે.
જાહ્નવીની આ ટીકા અંગે મતમતાંતર જોવા મળી રહ્યા છે. કેટલાય ચાહકોએ તેનાં વલણને બિરદાવ્યું છે.
જ્યારે કેટલાક ચાહકોએ 'પુષ્પા ટૂ'ને બહુ ગ્રેટ સિનેમા ગણાય કે કેમ તે વિશે સવાલો ઉઠાવ્યા છે.