કોઈ પરવાનગી વગર 'ભીડુ' શબ્દ બોલે તો બે કરોડનો દંડ કરો: જેકી શ્રોફની હાઇકોર્ટમાં અરજી
Jackie Shroff : બૉલીવુડ અભિનેતા જેકી શ્રોફે દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માં અરજી કરીને પોતાના નામના ઉપયોગ મામલો વાંધો ઉઠાવ્યો છે. તેણે અરજીમાં કહ્યું છે કે, લોકો મારી મંજૂરી લીધા વગર મારા નામનો ઉપયોગ તેઓના કામમાં કરે છે. તેથી અભિનેતાએ કોર્ટને વિનંતી કરી છે કે, લોકો મારા નામનો ઉપયોગ ન કરે.
‘મારી મંજૂરી વગર મારી પર્સનાલિટીનો ઉપયોગ’
જેકી શ્રોફે 1973માં આવેલી ફિલ્મ હીરા પન્નાથી ફિલ્મી કારકિર્દીમાં જંપ લાવ્યું હતું. તેમને ફિલ્મી ક્ષેત્રે અત્યાર સુધીમાં 11 પુરસ્કારો મળી ચુક્યા છે. આ ઉપરાંત તેમના અસંખ્ય ચાહકો પણ છે. તેમની સૌથી જાણીતી સ્ટાઈલ 'ભીડુ' છે, જ્યારે તેઓ પોતાની સ્ટાઈલમાં 'ભીડુ' બોલે છે, ત્યારે સૌકોઈ ખુશખુશાલ થઈ જાય છે. તેમની ચાલ, હારભાવ અને અવાજનો મોડ્યુલેશન અન્ય અભિનેતાઓથી તદ્દન અલગ છે. જેકીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજીને વાંધો ઉઠાવ્યો છે કે, મારી મંજૂરી વગર મારી પર્સનાલિટીનો ઉપયોગ કરવામાં આવે છે.
‘...તો બે કરોડનો દંડ ફટકારવામાં આવે’
જેકીએ આજે (14 મે) કોર્ટમાં અરજી દાખલ કરી છે અને તેમણે પોતાના નામ, પસંદ અને ભીડુ શબ્દના ઉપયોગ પર ઓથોરિટી આપવાની માંગ કરી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે, જો કોઈપણ વ્યક્તિ મારી મંજૂરી વગર મારા નામ, ફોટો, અવાજ અને ભીડુ શબ્દનો ઉપયોગ કરે, તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને બે કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે. આ મામલે કોર્ટે તમામ આરોપીઓ વિરુદ્ધ સમન્સ જારી કર્યા છે. આ ઉપરાંત કોર્ટે MEITY (ટેકનોલોજી વિભાગ અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય)ને આદેશ આપ્યો છે કે, અભિનેતાના પર્સનલ રાઈટ્સનો જ્યાં જ્યાં ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે, તેવી તમામ લીંકો હટાવવામાં આવે. કોર્ટ આગામી સુનાવણી 15 મેએ હાથ ધરશે.
જેકીની ઈમેજને ખરાબ કરવાનો પ્રયાસ, વકીલની દલીલ
જેકી શ્રોફના વકીલ પ્રવીણ આનંદે કોર્ટમાં દલીલ કરી છે કે, પર્સનાલિટીનો ઉપયોગ કરીને તેમની ઈમેજને ખરાબ કરવામાં આવી રહી છે. તેમના નામનો ખરાબ મિમ્સમાં ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમની અવાજનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે. તેથી જ અભિનેતાએ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને તેમના અધિકારોનું ઉલ્લંઘન થતું અટકાવવાની માંગ કરી છે. કોઈપણ પ્લેટફોર્મ પર અભિનેતા જુદા જુદા નામ જેકી શ્રોફ, જૈકી, જગ્ગૂ દાદા અને ભીડૂ શબ્દનો ઉપયોગ અટકાવવાની માંગ કરવામાં આવી છે.