જબ વી મેટની જોડી શાહીદ અને કરીના સાથે દેખાયાં પણ મળ્યાં નહિ
- એક અરસા પછી બંને એક જ ફ્રેમમાં
- ચાહકોની કોમેન્ટ, બંનેએ ભૂતકાળ ભૂલી સાથે ફિલ્મ કરવી જોઈએ
મુંબઇ : એક સમયનાં લવ બર્ડસ શાહિદ કપૂર અને કરીના કપૂર એક ફંકશનમાં સાથે હાજર રહ્યાં હતાં. જોકે, બંને એકમેકને રુબરુ મળ્યાં ન હતાં. બહુ લાંબા સમય પછી શાહિદ અને કરીના કપૂર એક જ કેમેરા ફ્રેમમાં સાથે દેખાયાં હતાં.
એક સ્કૂલ ફંકશનમાં શાહિદ અને કરીના આગળ-પાછળની હરોળમાં બેઠેલાં જોવા મળ્યાં હતાં. આ ફંકશનમાં શાહિદ સાથે મીરા કપૂર પણ હાજર હતી. જોકે, શાહિદ અને કરીનાએ એકબીજાની હાજરીની નોંધ લીધી હોય કે વાતચીત કરી હોય તેવો કોઈ વીડિયો કે તસવીર સામે આવ્યાં નથી
'જબ વી મેટ'ની સુપરહિટ જોડીને સાથે જોઈ ચાહકોએ ભાતભાતની કોમેન્ટસ કરી હતી.
કેટલાક ચાહકોએ કહ્યું હતું કે બોલીવૂડમાં અનેક કલાકારો પોતાના ભૂતકાળને ભૂલીને જૂના પ્રેમીઓ સાથે કામ કરે છે. કરીના અને શાહીદની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી પણ સુપર્બ હતી. બંનેએ સાથે કામ કરવું જોઈએ. કેટલાક લોકોએ આ સંદર્ભમાં સલમાન અને કેટરિનાની દોસ્તીનો પણ દાખલો આપ્યો હતો.