તેજસના ધબડકા બાદ ઈશાનની ફિલ્મ ખોટ ખાઈને ઓટીટીને વેચાઈ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
તેજસના ધબડકા બાદ ઈશાનની ફિલ્મ ખોટ ખાઈને ઓટીટીને વેચાઈ 1 - image


- પિપ્પા હવે સીધી ઓટીટી પર રીલીઝ થશે

-  બંને એક જ નિર્માતા રોની સ્ક્રૂવાલાની ફિલ્મોઃપિપ્પા ઓવરબજેટ થઈ ગઈ

મુંબઇ : નિર્માતા રોની સ્ક્રુવાલાએ તેમની કંગના અભિનિત ફિલ્મ 'તેજસ'નો ટિકિટબારી પર ધબડકો થયા બાદ પોતાની બીજી ફિલ્મ 'પિપ્પા' ખોટ ખાઈને પણ ઓટીટીને પધરાવી દીધી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ હવે થિયેટરમાં નહીં આવે પણ સીધી ઓટીટી પર રીલીઝ થશે.  'પિપ્પા'માં ઈશાન ખટ્ટર મુખ્ય ભૂમિકામાં છે. 

માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર આ ફિલ્મના નિર્માણમાં ભારે વિલંબ થયો હતો. તે ઓવરબજેટ પણ થઈ ગઈ હતી. હવે જો થિયેટરમાં રીલીઝ કરવામાં આવે તે ડિસ્ટ્રિબ્યૂશન અને પ્રમોશન કોસ્ટમાં ખોટ વધે તેમ હતું.  થિયેટરમાં એક વોર  ફિલ્મ 'તેજસ' નો જે રીતે ધબડકો થયો તે પછી બીજી વોર ફિલ્મ 'પિપ્પા' પણ ચાલે તેવી કોઈ આશા ન હતી. કંગના રણૌત તો  અભિનેત્રી તરીકે જાણીતી પણ છે જ્યારે ઈશાનનો એવો કોઈ સ્ટાર પાવર નથી કે તેના નામે કોઈ ફિલ્મ જોવા થિયેટરમાં આવે. આથી, નિર્માતાએ હારી થાકીને આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મને પધરાવી દીધી છે. 

કંગના રણાૌતની 'તેજસ' આશરે ૨૦૦ કરોડના બજેટમાં બની હતી. પરંતુ, ફિલ્મ પૂરા પાંચ કરોડ રુપિયા પણ કમાઈ શકી નથી. આમ નિર્માતાનાં બારેય વહાણ આ ફિલ્મમાં ડૂબી ગયાં છે. બીજી તરફ 'પિપ્પાનું બજેટ પણ વધીને ૭૫ કરોડ થઈ ગયું હતું અને થિયેટરમાં તે પણ પૂરા પાંચ કરોડ કમાઈ શકે તેવી સંભાવના નથી. ફિલ્મ થિયેટરમાં ફલોપ જ જવાની છે તેનો ખ્યાલ હોવાથી ઓટીટી  પ્લેટફોર્મે બજેટ કરતાં પણ ઓછા ભાવે આ મેળવી લીધી હોવાનું કહેવાય છે. 


Google NewsGoogle News