આ રાવણ છે કે ખિલજી? આદિપુરુષના ટીઝરને જોઈને ભડકયા ફેન્સ, VFX પર પણ ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી,તા.3 ઓક્ટોબર 2022,સોમવાર
ભગવાન શ્રી રામ પર બનેલી ફિલ્મ આદિપુરૂષનો ચાહકો બેતાબીથી ઈંતેઝાર કરી રહ્યા છે.
જોકે પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનનની ફિલ્મના ગઈકાલે રિલિઝ થયેલા ટીઝરે ચાહકોને નિરાશ કર્યા છે. એટલુ જ નહીં તેની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે.
સૈફ અલી ખાન આ ફિલ્મમાં રાવણનો રોલ કરી રહ્યો છે. જોકે ટીઝરમાં સૈફનો લૂક જોઈને ચાહકોને આઘાત લાગ્યો હતો. ઘણાએ કહ્યુ હતુ કે, સૈફ અલી ખાનનો ગેટ અપ રાવણ કરતા અલાઉદ્દીન ખિલજી જેવો વધારે લાગે છે.
એક યુઝરે લખ્યુ હતુ કે, નાના વાળ-લાંબી દાઢી અને આંખોમાં મેશ આંજનાર સૈફ અલી ખાન રાવણ જેવો લાગે છે ખરો? એક યુઝરે લખ્યુ હતુ કે આ શું મજાક છે અને આ તો સાવ નિરાશાજનક લૂક છે.
રાવણના પુષ્પક વિમાનને જોઈને પણ લોકો હેરાની વ્યક્ત કરી રહ્યા છે. રામાયણમાં પુષ્પક વિમાન સુંદર દેખાય છે પણ આદિપુરૂષના ટીઝરમાં તો રાવણને એક ખૂંખાર જાનવર પર સવારી કરતો બતાવ્યો છે.
લોકો ફિલ્મના વીએફએક્સને પણ કાર્ટુન ફિલ્મની સમકક્ષ ગણાવી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે, ઓમ રાઉતે આવી વાહિયાત ફિલ્મ બનાવવામાં 500 કરોડ રૂપિયા બરબાદ કર્યા છે?
એક યુઝરે કોમેન્ટ કરી છે કે, વીએફએક્સ વગર રામાનંદ સાગરે બનાવેલી રામાયણ સિરિયલ વધારે સારી હતી તેવુ લાગે છે.
ટીઝર સામે આવેલી નેગિટિવ પ્રતિક્રિયાઓના કારણે હવે મેકર્સ પણ ફિલ્મની સફળતાને લઈને ટેન્શનમાં હશે. આદિપુરૂષ ફિલ્મ 12 જાન્યુઆરીએ રિલિઝ થવા જઈ રહી છે.