પાકિસ્તાની બેટિંગ એપ પ્રમોટ કરી રહ્યા હતા ભારતીય સેલિબ્રિટી, હવે ઈડીના રડારમાં આવ્યાં
Magicwin Bet: મેજિકવિન બેટિંગ એપ મામલે EDની તપાસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. જો કે આ અંગે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું નથી. મહત્વની વાત એ છે કે, ભારતમાં નાના અને મોટા પડદાની અનેક સેલિબ્રિટીઓએ આ એપને પ્રમોટ કરી હતી. હવે એવી શક્યતા છે કે, આગામી દિવસોમાં કેટલાક સેલેબ્સને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
EDએ છેલ્લા 6 મહિનામાં 67 ઠેકાણા પર દરોડા પાડ્યા
અહેવાલ પ્રમાણે એપનો માલિક પાકિસ્તાની નાગરિક છે. તેણે એ પણ જણાવ્યું છે કે, પૈસા દુબઈ દ્વારા પાકિસ્તાનથી ભારત મોકલવામાં આવ્યા હતા. પહેલીવાર EDને આ એપ મામલે પાકિસ્તાની એંગલ મળ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે. આ મામલે EDએ છેલ્લા 6 મહિનામાં 67 ઠેકાણા પર દરોડા પાડ્યા છે. ગત અઠવાડિયે જ EDએ મેજિકવિન કેસ સાથે સંકળાયેલા લોકોના 21 ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. દિલ્હી, મુંબઈ અને પુણેમાં આ કાર્યવાહી દરમિયાન 3.55 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
મલ્લિકા શેરાવત અને પૂજા બેનર્જીની પૂછપરછ
એવા અહેવાલ મળી રહ્યા છે કે, ED પહેલા જ મલ્લિકા શેરાવત અને પૂજા બેનર્જીની પૂછપરછ કરી ચૂકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે EDએ આ વીકેન્ડમાં વધુ બે સેલેબ્સને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સાથે જ આગામી અઠવાડિયે ઓછામાં ઓછા 7 સેલેબ્સને સમન્સ પાઠવવામાં આવશે.
આ પણ વાંચો: અંતરિક્ષથી માઠા સમાચાર આવ્યા, સુનિતા વિલિયમ્સની વાપસી હજુ મોડું થશે, NASAએ પ્લાન બદલ્યો
મેજિકવિન એક બેટિંગ વેબસાઈટ
તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે મેજિકવિન એક બેટિંગ વેબસાઈટ છે, જેને ગેમિંગ વેબસાઈટ તરીકે બતાવવામાં આવી રહી હતી. સૂત્રોએ જાણકારી આપી છે કે, દુબઈમાં રહેતા ભારતીય નાગરિકો આ એપ ચલાવી રહ્યા હતા. ગેમના APIને અન્ય સ્થળોએથી કોપી કરવામાં આવ્યા હતા અને મેજિકવિન પર રીબ્રોડકાસ્ટ કરવામાં આવ્યા હતા.