વર્ષ 2023માં અધધ 22,400 કરોડનું નુકસાન, દેશની એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીને પાઈરસીનો ફટકો
Image:Freepik |
Piracy Hits the Entertainment Industry In India : ભારતની એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી દુનિયાની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીઝમાંની એક મનાય છે. ભારતમાં બોલિવૂડ જ નહીં, દક્ષિણ ભારતની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મો પણ વર્ષેદહાડે કરોડોનું ટર્નઓવર કરે છે. આ સિવાય ભોજપુરી, પંજાબી, મરાઠી, આસામી અને ગુજરાતી ફિલ્મો પણ ખરી. આ તમામ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસનો વાર્ષિક આંકડો ખૂબ જ મોટો છે. જો કે, આ ઈન્ડસ્ટ્રી પર હંમેશા પાઈરસીનું ગ્રહણ લાગેલું હોય છે. વર્ષ 2023માં પણ પાઈરેસની કારણે ઈન્ડસ્ટ્રીને રૂ. 22,400 કરોડનું જંગી નુકસાન થયું છે.
ફિલ્મ ગમે એટલી સારી હોય તો પણ એને નુક્સાન સહન કરવું પડે છે, અને આનું સૌથી મોટું કારણ છે પાઇરસી. કેપિટલ માર્કેટમાં સર્વિસ પ્રોવાઇડ કરતી કંપની EY અને ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 2023માં 22,400 કરોડ રૂપિયાનું નુક્સાન ફક્ત પાઇરસી ના કારણે થયું છે.
ફિલ્મ રિલીઝ થતા જ તેની કોપી માર્કેટમાં
પાઇરસીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ફિલ્મ રિલીઝ થતા જ સાંજ સુધીમાં કે બીજા દિવસે તેની કોપી માર્કેટમાં ફરતી થાય છે. આ માટે સરકાર દ્વારા ટોરેન્ટ જેવી અનેક સાઇટ્સને બંધ પણ કરવામાં આવી છે. આમ છતાં, પાઇરસી અટકવાનું નામ નથી લેતી. 'ધ રોબ રિપોર્ટ' મુજબ ભારતમાં 51 ટકા યુઝર્સ પાઇરેટેડ કન્ટેન્ટ જુએ છે.
આ પણ વાંચો: રશ્મિકા મંદાનાએ પોતે સૌથી વધુ મહેનતાણું મેળવતી અભિનેત્રી હોવાની વાતનું ખંડન કર્યું
GST પર સીધી અસરની પણ મુશ્કેલી
કેટલાક ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોનું કહેવું છે કે, આ નાણાકીય નુક્સાન ઉપરાંત GSTમાં પણ 4,300 કરોડ રૂપિયાનું નુક્સાન થાય છે. ફિલ્મનો બિઝનેસનું ટર્નઓવર દર વર્ષે વધતું જાય છે. ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ પણ ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યા છે. આ કારણસર નુકસાનને અટકાવવા માટે પાઇરસીને નવા કાયદા ઘડીને અટકાવવી ખૂબ જ જરૂરી છે.
પાઇરસી અટકાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ
પાઇરસી અટકાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પણ પાઇરસી અટકાવી શકાય છે. સખત નિયમો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઇન પાઇરસીને બ્લોક કરવી એજ એક વિકલ્પ છે.
આ પણ વાંચો: થલાપતિ વિજય રાજનિતીમાં સામેલ થયા પછી પુત્ર ફિલ્મમાં પદાર્પણ કરશે
જો પાઇરસી કાબુમાં આવી જાય તો પણ એન્ટરટેઇન્મેન્ટ ઈન્ડસ્ટ્રીને જંગી ફાયદો થઈ શકે છે. આ લાભ ફિલ્મ પ્રોડ્યુસર, ડિરેક્ટર કે એક્ટરને જ નહીં, પરંતુ નાના ટેક્નિશિયનો, કેમેરામેન, રાઈટર, સ્પોટ બોય વગેરેને મળી શકે એમ છે.