IND vs ENG: છેલ્લી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11 જાહેર, આ ઘાતક બોલરને ફરી મળ્યું સ્થાન
નવી દિલ્હી,તા. 6 માર્ચ 2024, બુધવાર
ભારત સામેની 5 ટેસ્ટની સીરિઝમાં 1-3થી પાછળ ઈંગ્લેન્ડ હવે પાંચમી ટેસ્ટમાં જીત સાથે વિદાય લેવા માંગે છે. ઈંગ્લેન્ડે ભારત સામેની પાંચમી અને છેલ્લી ટેસ્ટ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે અને આ મેચ માટે ઇંગ્લિશ ટીમે માત્ર એક જ ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનની જગ્યાએ ઘાતક બોલર માર્ક વૂડની રી-એન્ટ્રી થઈ છે. વુડને ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો અને તેના સ્થાને રોબિન્સન રમ્યો હતો.
ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. છેલ્લી ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 સાઈકલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા ઉતરશે. ભારતીય ટીમ હાલ WTC પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.
પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), શોએબ બશીર, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેમ્સ એન્ડરસન.
41 વર્ષીય એન્ડરસન સતત ચોથી ટેસ્ટ રમશે :
ઈંગ્લેન્ડના પ્લેઈંગ-11માં બે સ્પિનર અને બે ફાસ્ટ બોલર છે. રાંચી ટેસ્ટમાં ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપનાર શોએબ બશીરને પણ સ્થાન મળ્યું છે. ટોમ હાર્ટલી તેને સ્પિનમાં સપોર્ટ કરશે. જોકે બેન સ્ટોક્સ આ ટેસ્ટમાં બોલિંગ કરે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. લગભગ 2-4 ડિગ્રીની ફૂલગુમાબી ઠંડીમાં ધર્મશાલાની પીચ સામાન્ય રીતે ઝડપી બોલરો માટે મદદગાર રહેવાની ધારણા છે. આ સિવાય રૂટ પણ બોલરની ભૂમિકા ભજવશે.
જોકે સૌથી મહત્વની વાત એ છે કે 41 વર્ષીય જેમ્સ એન્ડરસન સતત ચોથી ટેસ્ટ રમતા જોવા મળશે. અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડે આ સીરિઝમાં ત્રણ ઝડપી બોલરોને અજમાવ્યા છે અને એન્ડરસન તેમાં સૌથી સફળ રહ્યો છે. તેના નામે આઠ વિકેટ છે, જ્યારે વુડ માત્ર ચાર જ વિકેટ લઈ શક્યો છે. હાર્ટલી આ શ્રેણીનો અત્યાર સુધીનો સૌથી સફળ બોલર છે. તેના નામે 20 વિકેટ છે. બશીરે પણ 12 વિકેટ ઝડપી છે. હાર્ટલી બાદ બુમરાહ, જાડેજા અને અશ્વિન ત્રણેયએ 17-17 વિકેટ લીધી છે.
વધુ એક ચોંકાવનારૂં નામ આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા જોની બેયરસ્ટોનું. મેનેજમેન્ટે વિશ્વાસ વ્યક્ત કરીને બેટ્સમેનોની લાઈન અપમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ભારતની પ્લેઇંગ-11 ?
ઈંગ્લેન્ડની ટીમની જાહેરાત થઈ ગઈ પરંતુ ભારતની પ્લેઇંગ-11 ક્યાં ? ભારતીય ટીમ ગુરુવારે ટોસના સમયે જ પ્લેઇંગ 11 જાહેર કરશે. જસપ્રીત બુમરાહના કમબેકથી ટીમ ઈન્ડિયા વધુ મજબૂત બનશે. આ સ્થિતિમાં સિરાજ અને આકાશ દીપમાંથી બીજો ફાસ્ટ બોલર કોણ હશે તે જોવું રસપ્રદ રહેશે. આ સિવાય બેટિંગ લાઈન અપમાં રજત પાટીદારની જગ્યાએ દેવદત્ત પડિકલને તક મળી શકે છે.