TMKOC: દયા જાન્યુઆરીમાં નહીં આવે તો હું તલાક આપી દઈશ..., જેઠાલાલની વાત સાંભળીને સૌ ચોંક્યા, ફેન્સ થયા નારાજ
Image Source: Twitter
મુંબઈ, તા. 06 ડિસેમ્બર 2023 બુધવાર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. આ દિવાળી દયાબેનની શોમાં વાપસી થશે તેવી ચર્ચા હતી પરંતુ એવુ થયુ નહીં. દયાબેન હજુ સુધી શો માં પાછા આવ્યા નથી. દયા ન આવવાથી જેઠાલાલ ખૂબ દુ:ખી છે અને તેઓ સુંદરથી પણ નારાજ છે.
દયાએ મોકલ્યો ઓડિયો મેસેજ
શો માં બતાવવામાં આવ્યુ કે દયાએ સુંદરની સાથે એક દીવો મોકલ્યો છે, જેને બાપુજી, ટપુ અને જેઠાલાલ મંદિરમાં પ્રગટાવે છે અને દિવાળીની પૂજા કરે છે. જે બાદ સુંદર કહે છે કે દયાએ ઓડિયો મેસેજ મોકલ્યો છે. એ સાંભળીને જેઠાલાલ ખૂબ એક્સાઈટેડ થઈ જાય છે. ઓડિયોમાં દયાબેન જેઠાલાલ પાસે માફી માંગે છે કે તેઓ દિવાળી પર ઘરે આવી ન શકી. દયા કહે છે કે તે તેમના ઈમોશન્સને સમજે છે અને પાછી આવવા માંગે છે. જોકે, તેમની માતા તેમને વારંવાર રોકી દે છે અને આ જ કારણસર તે આવી શકતી નથી. દયા બાદમાં તમામને વિશ કરે છે અને ટૂંક સમયમાં ગોકુલધામ સોસાયટીમાં પાછા આવવાનું વચન આપે છે.
શું જેઠાલાલ દયાને તલાક આપી દેશે?
બાદમાં બાપુજી, જેઠાલાલ અને ટપુ સુંદરની સાથે ગોકુલધામ સોસાયટીના કમ્પાઉન્ડમાં જાય છે. જેઠાલાલ સુંદરને પૂછે છે કે દયા ક્યારે આવશે. તો સુંદર કહે છે કે જાન્યુઆરી 2024માં દયા આવી જશે. સુંદર કહે છે કે તેઓ પૂરો પ્રયત્ન કરશે કે દયા જાન્યુઆરી 2024માં આવી જશે. જે બાદ જેઠાલાલને ખૂબ ગુસ્સો આવે છે અને તેઓ કહે છે કે જો દયા જાન્યુઆરી 2024માં ન આવી તો તેઓ દયાને તલાક આપી દેશે. આ સાંભળીને તમામ લોકો ચોંકી જાય છે.
સુંદર જેઠાલાલને કહે છે કે આવા નિર્ણય ન લો. પછી જેઠાલાલ કહે છે કે તેમને ઘણા દિવસ થઈ ગયા દયાને મળે અને જો દયા હવે પાછી ન આવી તો તેઓ દયાથી અલગ થઈ જશે. પછી સુંદર જેઠાલાલને વચન આપે છે કે તે દયાને જાન્યુઆરીમાં લઈને આવશે. પછી ટપુ પણ સુંદરને કહે છે કે તમે પોતાનુ વચન પૂરુ જરૂર કરજો. હવે જોવાનુ રહેશે કે શો માં આગામી દિવસોમાં કયા ટ્વિસ્ટ આવવાના છે. દયાબેનની એન્ટ્રીના પ્લોટના કારણે ચાહકો મેકર્સથી ખૂબ નારાજ છે કેમ કે મેકર્સ પહેલા પણ ઘણી વખત આવુ કરી ચૂક્યા છે. દયાબેનની એન્ટ્રીનો પ્લોટ દેખાડે છે પરંતુ દયાની શો માં વાપસી કરાવતા નથી.