IC 814માં ઈતિહાસ સાથે ચેડા: નેટફ્લિક્સના વડાને સરકારનું તેડું
IC 814 Controversy: નેટફ્લિક્સની લેટેસ્ટ વેબ સીરિઝ 'IC 814'માં ઈતિહાસ સાથે ચેડા અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના પ્રયાસ કરવા બદલ સરકારે OTT પ્લેટફોર્મ 'Netflix'ના કન્ટેન્ટ હેડને સમન્સ ફટકાર્યું છે. 'IC-814-ધ કંદહાર હાઇજેક' સીરિઝને લઈને ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં તેમને સમન્સ મોકલવામાં આવ્યા છે. સીરિઝમાં આતંકવાદીઓના પાત્રોના નામને લઈને વિવાદ ઉભો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે મંગળવારે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને નોટિસ મોકલીને જવાબ માંગ્યા છે. OTT સીરિઝના કથિત વિવાદાસ્પદ પાસાઓ પર તેમની પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે.
વાત એમ છે કે, પ્લેનને છ આતંકવાદીઓએ હાઇજેક કર્યું હતું. આ તમામ આતંકવાદીઓ મુસ્લિમ હતા. તેમના નામ ઈબ્રાહિમ અખ્તર, શાહિદ અખ્તર, સની, અહેમદ કાઝી, ઝહૂર મિસ્ત્રી અને શાકિર હતા. હવે નેટફ્લિક્સની આ OTT સીરિઝમાં આ આતંકવાદીઓના નામ બદલવામાં આવ્યા છે. નામ બદલાતા ભારે વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ હવે બળાપો ઠાલવીને આ સીરિઝનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં, કાઠમંડુથી દિલ્હી આવી રહેલા ઈન્ડિયન એરલાઈન્સના વિમાનના અપહરણકર્તાઓના પાત્રોના બદલાયેલા નામને લઈને વિવાદ ઊભો થયો છે. પ્રેક્ષકોના એક મોટા વર્ગે આતંકવાદીઓના 'માનવીય' ચિત્રણ સામે વાંધો ઉઠાવ્યો છે. બીજેપી IT સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે IC-814ના હાઇજેકર્સ મોટા ભયંકર આતંકવાદીઓ હતા. આ હાઈજેવકમાં પોતાની મુસ્લિમ ઓળખ છુપાવવા માટે તેમણે કાલ્પનિક નામો અપનાવ્યા હતા.
માલવિયાએ X પર પોસ્ટ કર્યું કે ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ તેમના બિન-મુસ્લિમ નામોનો પ્રચાર કરીને તેમના નાપાક ઇરાદાઓને પૂર્ણ કર્યા છે. દાયકાઓ પછી લોકો વિચારશે કે હિંદુઓએ જ IC-814 હાઇજેક કર્યું હતું. માલવિયાએ કહ્યું કે તમામ આતંકવાદીઓ મુસ્લિમ હતા. સિનેમાની આ શક્તિ છે કે ઈતિહાસને મનમુજબ બદલીને ફેરવી-તોળીને આજે દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ પ્રકારની નાપાક હરકતથી માત્ર ભારતની સુરક્ષા વ્યવસ્થા નબળી પડશે, તેના પર પ્રશ્નો તો ઉભા થશે પરંતુ આ માટે જવાબદાર વર્ગને નિર્દોષ જાહેર કરવામાં પણ મદદ મળશે.
ઓમર અબ્દુલ્લાનો વળતો પ્રહાર :
આ મામલે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આ જોવાનું ખરેખર રસપ્રદ છે કે જે લોકો 'કાશ્મીર ફાઇલ્સ' જેવી ફિલ્મોને સાચી માનતા હતા, તેઓ નેટફ્લિક્સની 'IC814'ની ઘટનાઓના ફિલ્મિંગ સીનથી નિરાશ થયા છે.
જોકે સામે પક્ષે સોશિયલ મીડિયા પર યુઝર્સનો એક મોટો વર્ગ ભારત સરકાર પાસેથી તેમના જ ડેટાબેઝમાં સુધારો કરવા અને યોગ્ય માહિતી આપીને તેને જ અન્ય દ્વારા સ્વીકારવા અને વાપરવા માટે અનુરોધ કરી રહ્યાં છે.