Get The App

‘IC 814’ને ભારતમાંથી કંદહાર જવાની મંજૂરી અપાઈ હતી, એક જ નકલી ફોનથી આટલો મોટો કાંડ સર્જાયો હતો

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
IC 814


IC-814  Web series On Kandahar Hijack: Netflix ની વેબસિરિઝ  ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ હાલ સમાચારોમાં છે. 1999માં આતંકવાદીઓએ ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન હાઇજેક કર્યું હતું, એ સત્યઘટના પર આ સીરિઝ બની છે. આ સીરિઝ જોયા પછી એક સવાલ એવો થાય છે કે 25 વર્ષ અગાઉની એ ઘટનામાં પ્લેનને અમૃતસરથી ટેકઓફ કરીને ભારતીય હવાઈ ક્ષેત્રની બહાર જવાની પરવાનગી કોણે આપી હતી અને શા માટે આપી હતી? ચાલો જાણીએ આ સવાલનો જવાબ. સાથે જાણીએ એ ઘટનાની અનેક હકીકતો. 

આ નામ સામે આવ્યું

ઉપરોક્ત સવાલના જવાબમાં સરકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે તત્કાલિન કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ જે. લાલના નામે એક નકલી ફોન કોલ આવ્યો હતો, જેના કારણે પ્લેનને અમૃતસરથી ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

શું હતી ઘટના?

24 ડિસેમ્બર, 1999ના રોજ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC-814 એ કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી. પ્લેનમાં 15 ક્રૂ મેમ્બર અને 176 મુસાફરો સવાર હતા. હવામાં સવાર થયાના 40 મિનિટ પછી મુસાફર બનીને પ્લેનમાં બેઠેલા પાંચ જણે પ્લેનનું હાઈજેક કર્યું હતું અને પ્લેનના કેપ્ટન દેવી શરણને પ્લેનને કાબુલ લઈ જવા કહ્યું. પણ ત્યાં સુધી પહોંચવા માટે પ્લેનમાં પૂરતું ઈંધણ ન હોવાથી પ્લેન અમૃતસરમાં ઉતારવામાં આવ્યું હતું. 

આ પણ વાંચોઃ આઈસી 814માં શરૂઆતમાં જ આતંકીઓના અસલી નામ દર્શાવાશે

પાકિસ્તાન જવાનો પ્રયાસ ફરી કરાયો 

અમૃતસર એરપોર્ટના સત્તાવાળાઓએ નેશનલ સિક્યુરિટી ગાર્ડ(NSG)ને અને સ્થાનિક પંજાબ પોલીસને એલર્ટ કરી શકાય એ માટે ઈંધણ ભરવામાં જાણીજોઈને સમય બગાડ્યો. ટેન્કરોને ધીમેધીમે આગળ વધાર્યાં. 50 મિનિટ રોકાયા છતાં પ્લેનમાં ઈંધણ ન ભરાયું એટલે હાઇજેકરોને શંકા જાગી કે એમને પકડી લેવાની તજવીજ કરાઈ રહી હતી. ગુસ્સે થયેલા હાઇજેકર્સે જર્મન નાગરિક સતનામ સિંઘ અને ભારતીય નાગરિક રૂપિન કાત્યાલને ચાકુના ઘા મારીને બંનેને ઘાયલ કરી દીધા. એ પછી સાવ ઓછા ઈંધણમાં પણ હાઇજેકર્સ પાઇલટને પ્લેન ઉડાડવાની ફરજ પાડી. પ્લેન ઉપડ્યું અને પહોંચ્યું લાહોર. પણ, લાહોર એરપોર્ટની એરસ્ટ્રીપની તમામ લાઇટો બંધ કરી દેવાઈ જેથી નેવિગેશનલ સહાયને અભાવે પ્લેન કોઈપણ રીતે ત્યાં ઉતરી ન શકે.

લાહોરથી દુબઈ

એરસ્ટ્રીપની લાઇટો બંધ હોવા છતાં પાઇલટે પ્લેન ઉતારવું જ પડે એમ હતું કેમ કે ઈંધણ ખતમ થઈ જવાનું હતું. પ્લેનને ઉતરતું જોઈને અંધારામાં ગમખ્વાર અકસ્માત ન થાય એ માટે લાહોર એરપોર્ટના સત્તાવાળાઓએ એરસ્ટ્રીપની લાઇટો ચાલુ કરી દીધી. પ્લેન ઉતર્યું અને પછી ત્યાંથી ઈંધણ ભરાવીને ઉપડ્યું કાબુલ તરફ. 

દુબઈમાં પણ ડ્રામા

એ જમાનામાં કાબુલ એરપોર્ટ પર રાતે પ્લેન લેન્ડ કરી શકે એવી સુવિધા ન હોવાથી પ્લેનને અન્ય ખાડી દેશો તરફ લઈ જવાનો પ્રયાસ કરાયો, પણ હાઇજેક થયેલા ‘સાપના ભારા’ જેવા પ્લેનને સંઘરવા કોઈ દેશ તૈયાર નહોતો. આખરે યુ.એ.ઈ. સંમત થતાં પ્લેન દુબઈમાં ઉતર્યું. દુબઈ એરપોર્ટના સત્તાવાળાએ મહિલાઓ અને બાળકોને છોડી મૂકવાની શરત મૂકતાં આતંકવાદીઓએ 27 મુસાફરોને છોડી દીધા. સારવારને અભાવે ઘાયલ રૂપિનનું મૃત્યુ થઈ ગયું હોવાથી એના મૃતદેહને પણ બહાર કાઢવામાં આવ્યો. 

આ પણ વાંચોઃ 6 તારીખે પણ રીલિઝ નહીં થાય કંગનાની ફિલ્મ, 19 સપ્ટેમ્બરે લેવાશે 'ઈમરજન્સી' પર નિર્ણય

છેવટે પહોંચ્યું તાલિબાન

એ પછી પ્લેન બીજા દિવસે સવારે તાલિબાન-નિયંત્રિત અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર ઉતર્યું. આતંકવાદીઓએ અટલ બિહારી વાજપેયીની તત્કાલિન ભારત સરકાર સાથે વાતચીત કરી હતી, જે આખરે 30 ડિસેમ્બરે ત્રણ આતંકવાદીઓ – અહેમદ ઉમર સઈદ શેખ, મસૂદ અઝહર અને મુશ્તાક અહમદ ઝરગર — સહિત પ્લેનના તમામ બંધકોની મુક્તિ સાથે સમાપ્ત થઈ હતી.

નકલી કોલને કારણે થઈ ગફલત 

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ જે. લાલના નામે કરવામાં આવેલા નકલી કોલને કારણે અમૃતસરના ‘શ્રી ગુરુ રામદાસજી ઈન્ટરનેશનલ એરપોર્ટ’ (એ સમયે ‘રાજા સાંસી એરપોર્ટ’)ના સ્ટાફે બેરિકેડ્સ હટાવીને પ્લેનને ઉપડવાની મંજૂરી આપી દીધી હતી.

‘IC 814’ને ભારતમાંથી કંદહાર જવાની મંજૂરી અપાઈ હતી, એક જ નકલી ફોનથી આટલો મોટો કાંડ સર્જાયો હતો 2 - image


Google NewsGoogle News