નેટફ્લિક્સનો યુ ટર્નઃ IC 814 સિરીઝમાં અસલી હાઈજેકરના નામ બતાવશે, સોશિયલ મીડિયામાં વિરોધ પછી નિર્ણય

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
નેટફ્લિક્સનો યુ ટર્નઃ IC 814 સિરીઝમાં અસલી હાઈજેકરના નામ બતાવશે, સોશિયલ મીડિયામાં વિરોધ પછી નિર્ણય 1 - image


IC 814 Kandhar Hijack Controversy: લેટેસ્ટ વેબ સીરિઝ 'IC 814: The Kandahar Hijack'માં નામ બાબતે ભારે હોબાળો મચ્યા બાદ અંતે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સે પોતાની ભૂલ સ્વિકારી લીધી છે અને શોના વાંધાજનક કન્ટેન્ટમાં ફેરફાર કરવા માટે સંમત થઈ ગયું છે   નેટફ્લિક્સે અમે સીરિઝનાં ડિસ્ક્લેમરમાં અપડેટ કરીને આતંકવાદીઓના અસલી નામ અને કોડ આપ્યા છે.

નેટફ્લિક્સ ઈન્ડિયાના વડાએ શું કહ્યું ?

નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટના વડા મોનિકા શેરગીલે આજે કહ્યું છે કે, ‘1999માં ભારતીય એરલાઈન્સની ફ્લાઈટ 814ના અપહરણને ન જાણનારા દર્શકો માટે વેબસિરીઝના શરૂઆતના ડિસ્ક્લેમરને અપડેટ કરવામાં આવ્યું છે, જેમાં અપહરણકર્તાઓના વાસ્તવિક કોડ અને નામ સામેલ કરાયા છે. ભારતમાં કહાની કહેવાની સ્મૃદ્ધ સંસ્કૃતિ છે અને અમે આ કહાનીઓ અને તેના પ્રામાણિક પ્રતિનિધ્તવને દર્શાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

આતંકીઓના ભોલા અને શંકરના નામને લઈ વિવાદ

ઉલ્લેખનીય છે કે, આ સીરિઝમાં આતંકવાદીઓ ભોલા અને શંકરના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સીરિઝમાં નામ અંગે ભારે વિરોધ બાદ સોમવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ જારી કરીને હાજર થઈને સ્પષ્ટીકરણ આપવા કહ્યું હતું. આજે Netflix હેડ મોનિકા શેરગિલ સરકાર સમક્ષ હાજર થઈ હતી.

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને નેટફ્લિક્સ ઈન્ડિયાના વડા મોનિકાની બેઠકમાં આ વિવાદ પર ચર્ચા થઈ હતી. અંતે Netflixએ કેન્દ્ર સરકારને કહ્યું કે તેઓ વેબ સીરિઝ 'IC 814: The Kandahar Hijack'ના વાંધાજનક ભાગમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. આ સિવાય એ પણ ખાતરી આપવામાં આવી કે ભવિષ્યમાં નેટફ્લિક્સ પર જે પણ ફિલ્મો કે વેબ સીરિઝ રિલીઝ થશે, તે દેશના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

કેમ મચ્યો છે હોબાળો?

29 ઓગસ્ટના રોજ રીલિઝ થયેલ ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ અનુભવ સિન્હા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. 1999માં નેપાળથી ભારત આવી રહેલા પ્લેનના અપહરણ પ્રકરણ કંદહાર પ્લેન હાઇજેકની ઘટના પર આધારિત સીરિઝમાં કુલ 6 એપિસોડ છે. આ સીરિઝના બે હાઇજેકર્સના નામને લઇને વિવાદ ઉભો રહ્યો છે. આ પ્લેનને પાંચ હાઈજેકર્સ દ્વારા હાઈજેક કરવામાં આવ્યું હતું. આ આતંકવાદીઓએ હાઇજેક દરમિયાન પોતાના જે કોડ નેમ રાખ્યા હતા તે જ ભોલા, શંકર, ડોક્ટર, બર્ગર અને ચીફ સીરિઝમાં બતાવાયા છે. લોકો જાતે કરીને લાગણી દુભાવવાના પ્રયાસો બદલ નેટફ્લિકસની ઝાટકણી કાઢી રહ્યાં છે અને આ આતંકીઓના સાચા નામ જ રજૂ કરવા વિરોધ કરી રહ્યાં છે.

આતંકવાદીઓ મુસ્લિમ હતા અને તેમના સાચા નામ ઈબ્રાહિમ અખ્તર, શાહિદ અખ્તર સૈયદ, સની અહમદ કાઝી, મિસ્ત્રી ઝહૂર ઈબ્રાહિમ અને શાકિર હતા. વિવાદ પછી, સરકારે Netflix હેડને બોલાવ્યા અને હવે OTT પ્લેટફોર્મ ફેરફારો માટે તૈયાર છે.

પ્રતિબંધ મુકવા કોર્ટમાં PIL :

નેટફ્લિક્સ સામે યુઝર્સનો ગુસ્સો સાતમા આસમાને છે. સીરિઝ વિરૂદ્ધ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે, જેમાં ‘IC 814: ધ કંધહાર હાઇજેક’ પર પ્રતિબંધ મૂકવાની માગ થઈ છે. અરજીમાં આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે અપહરણમાં સામેલ આતંકવાદીઓની વાસ્તવિક ઓળખ તોડી-મરોડીને બતાવવામાં આવી છે

આ પણ વાંચો: IC 814માં ઈતિહાસ સાથે ચેડા: નેટફ્લિક્સના વડાને સરકારનું તેડું


Google NewsGoogle News