રણબીર કપૂરની 'રામાયણ' પર વધુ એક સંકટ, 3 અઠવાડિયા માટે શૂટિંગ ઠપ્પ બંધ!
રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'નું શૂટિંગ જોરશોરથી શરૂ થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મૂવી હવે ફક્ત બે ભાગમાં જ આવશે. ત્રીજો ભાગ હનુમાનના પાત્રનું સ્પિન-ઓફ હશે. આ ત્રીજા ભાગમાં સની દેઓલ હનુમાનનું પાત્ર ભજવશે. મળતી માહિતી પ્રમાણે 'રામાયણ'નું શૂટિંગ 350 દિવસ સુધી સતત ચાલશે પરંતુ હવે તે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ ગયું છે અને તેને કારણે ફિલ્મનું શૂટિંગ થોડા દિવસો માટે અટકાવી દેવામાં આવ્યું છે.
કેમ શૂટિંગ બંધ કરાયું ?
તાજેતરમાં જ મધુ મન્ટેનાએ 'રામાયણ'ના નિર્માતાઓને ચેતવણી આપતા જાહેર નોટિસ જારી કરી હતી કે હાલમાં આ ફિલ્મના રાઈટ્સ તેમની પાસે છે તેથી અન્ય કોઈ તેને બનાવી શકતું નથી. મધુની કંપની આ સ્ટોરીથી લઈને તેના ટાઈટલ સુધીની દરેક વસ્તુ પર કોપીરાઈટ ધરાવે છે તેથી, જો તેમના મંતવ્યો સાંભળવામાં નહીં આવે તો તેઓ જરૂરી પગલાં લેશે.
હકીકત એવી છે કે અગાઉ ‘રામાયણ’ મધુ અને નમિત મલ્હોત્રા બંને દ્વારા ભેગા મળીને બનાવવામાં આવી રહી હતી પરંતુ કેટલાક મતભેદોને કારણે મધુ ફિલ્મથી અલગ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમની અને નમિતની કંપની વચ્ચે એક ડીલ થઈ હતી, જેના હેઠળ નમિત એક નિશ્ચિત રકમ ચૂકવીને મધુ પાસેથી 'રામાયણ'ના રાઈટ્સ ખરીદશે પરંતુ હવે મધુ કહે છે કે તેણીને હજુ સુધી આ રકમ મળી નથી તેથી, તેમની પાસે હજી પણ ફિલ્મના બૌદ્ધિક સંપત્તિ (intellectual property) પર અધિકારો છે.
અહેવાલ મુજબ આ તમામ મુદ્દાઓને ઉકેલવા માટે ફિલ્મનું શૂટિંગ થોડા દિવસો માટે રોકી દેવામાં આવ્યું છે. તમામ મુદ્દાઓ ઉકેલાઈ જશે, સંભવિત છે કે 3 અઠવાડિયા પછી ફરી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. કોપીરાઈટની સમસ્યાથી બચવા માટે થોડા દિવસો પહેલા 'રામાયણ'નું શીર્ષક પણ બદલવામાં આવ્યું હતું. તેનું કાર્યકારી શીર્ષક બદલીને હવે 'ગોડ પાવર' કરવામાં આવ્યું છે. જો કે આ ફિલ્મ 'રામાયણ'ના નામે જ રિલીઝ થશે.
રણબીર- સાઈ પલ્લવીની જોડી :
‘રામાયણ’ નિતેશ તિવારીનો ડ્રીમ પ્રોજેક્ટ છે પરંતુ ઘણી વખત આ પ્રોજેક્ટ બંધ થવાના અહેવાલો આવ્યા છે. ક્યારેક બજેટ તો ક્યારેક સ્ટાર કાસ્ટને કારણે સ્થગિત કરવામાં આવી પરંતુ હવે ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં જ રોજેબરોજ એક નવું સંકટ ઊભું થઈ રહ્યું છે.
'રામાયણ'માં રણબીર કપૂર (Ranbir Kapoor) રામ અને સાઈ પલ્લવી સીતાનો રોલ કરશે. કો-પ્રોડ્યુસર યશ આ ફિલ્મમાં રાવણની ભૂમિકા પણ ભજવશે. આ ફિલ્મમાં સની દેઓલ હનુમાનની ભૂમિકામાં હોવાના અહેવાલ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ટીવી પર આવતી રામાયણના રામ અરુણ ગોવિલ (Arun Govil) ફિલ્મમાં દશરથની ભૂમિકામાં નજરે પડશે.