હૃતિક રોશનના પરિવાર પર ડોક્યુ સીરિઝ રોશન્સ રીલિઝ કરાશે
મુંબઇ : હૃતિક રોશનના પરિવાર પર એક ડોક્યુ સીરિઝ 'ધી રોશન્સ' રીલિઝ થવાની છે. જોકે, તેની રીલિઝની ચોક્કસ તારીખ અપાઈ નથી. પણ હૃતિકના જન્મદિવસે તા. ૧૦મી જાન્યુઆરીએ આ સીરિઝ રીલિઝ થવાની ધારણા છે.
હૃતિક રોશને સોશિયલ મીડિયા પર ધ રોશન્સની ઘોષણા કરી છે. તેણે જણાવ્યું હતું કે હિંદી ફિલ્મોનાં સર્જન, સંગીત સહિતની બાબતોની એક યાદગાર સફર આ સીરિઝ દ્વારા રજૂ કરાશે.
હૃતિક રોશનના પિતા રાકેશ રોશન બહુ સફળ અભિનેતા અને ફિલ્મ સર્જક રહી ચૂક્યા છે. તેના કાકા રાજેશ રોશન તથા દાદા રોશન પણ હિંદી ફિલ્મોના જાણીતા સંગીતકારોમાં સ્થાન પામે છે.
બોલીવૂડમાં કલાકારોનાં અંગત જીવન તથા પ્રદાનને લગતી સીરિઝનો ફાલ શરુ થયો છે. થોડા સમય પહેલાં નયનતારાની આવી સીરિઝ રજૂ થઈ હતી. હાલમાં સલીમ જાવેદની બેલડીને લગતી પણ એક સીરિઝ રજૂ થઈ હતી.