‘ફિલ્મ ક્રિટિક કરતાં ChatGPT સ્ક્રિપ્ટ વિશે વધુ સચોટ ફિડબેક આપી શકે, ‘રેજિંગ બુલ’ જેવી ભવ્ય ફિલ્મના ડિરેક્ટરનું નિવેદન
Filmmaker Paul Schrader on AI: હોલિવૂડમાં ‘રેજિંગ બુલ’, ‘ટેક્સી ડ્રાઇવર’, 'ઓહ કેનેડા' અને ‘ફર્સ્ટ રિફોર્મ્ડ’ જેવી ફિલ્મો બનાવનાર લેખક અને ડિરેક્ટર પૉલ શ્રેડરનું કહેવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રાઇટર્સને ખૂબ જ સારી રીતે મદદ કરી શકે છે. AIનો ઉપયોગ આજે દરેક જગ્યાએ થઈ રહ્યો છે, અને હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ બાકાત નથી. જોકે એનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે એ મહત્ત્વનું છે.
પૉલ શ્રેડરનું AI વિશે મંતવ્ય
પૉલ શ્રેડરે હાલમાં જ ફેસબુક પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટને લઈને હોલીવૂડમાં એક ડિબેટ પણ શરૂ થઈ ગઈ છે. ક્રિએટિવ ફિલ્ડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કેટલો ઉપયોગ કરવો એ વિશે ચર્ચા ચાલી રહી છે. પૉલ શ્રેડરે ફેસબુક પર પોસ્ટ કર્યું હતું કે, ‘મેં થોડા વર્ષ પહેલાં એક સ્ક્રિપ્ટ લખી હતી અને એને મેં ChatGPTને સેન્ડ કરી હતી અને એમાં શું સુધારા-વધારા કરી શકાય એ વિશે મેં પૂછ્યું હતું. પાંચ સેકન્ડની અંદર મને જવાબમાં નોટ્સ આપવામાં આવી હતી. આ નોટ્સ મને આજ સુધી જે પણ સારા-સારા ફિલ્મ એક્સિક્યુટિવ પાસેથી મળી છે, એટલી જ સારી અથવા તો એમ કહો કે એના કરતાં પણ સારી આપવામાં આવી હતી.’
લિજેન્ડરી ડિરેક્ટર્સ માટેના આઇડિયા
ChatGPTના આ જવાબ બાદ પૉલ શ્રેડર આશ્ચર્યમાં પડી ગયા હતા. આથી તેમણે ChatGPTને ટેસ્ટ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે ChatGPTને ચેલેન્જ આપી હતી કે એકદમ શ્રેષ્ઠ અને લિજેન્ડરી ગણાતા ડિરેક્ટર્સની સ્ટાઇલમાં ફિલ્મોના આઇડિયા આપે. આ ડિરેક્ટર્સમાં તેમના પોતાના સાથે તેમણે પૉલ થોમસ એન્ડરસન, ક્વેન્ટિન ટારેન્ટિનો અને ઇન્ગમાર બર્ગમેનનો સમાવેશ કર્યો હતો. ChatGPT દ્વારા જે આઇડિયા આપવામાં આવ્યા હતા, એ જે-તે ડિરેક્ટર્સની સ્ટાઇલ પ્રમાણેના તો હતા જ, પરંતુ એ ઓરિજિનલ હોવાની સાથે ખૂબ જ સારી રીતે ડેવલપ પણ કરવામાં આવ્યા હતા.
પૉલ શ્રેડરનો સવાલ
ChatGPT, એટલે કે ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને પૉલ શ્રેડરે સવાલ કર્યો કે, ‘રાઇટર્સે હવે કેમ મહિનાઓ સુધી એક સારા આઇડિયાને શોધવા પાછળ સમય બગાડવો જોઈએ, જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થોડી જ સેકન્ડ્સમાં એ આપી શકે છે?’ પૉલ શ્રેડર સાથે કામ કરનાર નિકોલસ કેજ અને અન્ય એક્ટર્સ જેવા કે કેટ બ્લેન્ચેટ જેવી ઘણી સેલિબ્રિટીઝ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે ફિલ્મમેકિંગની ટ્રેડિશનલ રીત બદલાઈ જશે એ વિશે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. જોકે તેમની ચિંતાથી એકદમ વિરોધાભાસી કમેન્ટ પૉલ શ્રેડર દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: મંગળ ગ્રહ પર ઝંડો લહેરાવવાની વાત કરી ડોનાલ્ડ ટ્રમ્પે: ઇલોન મસ્કની ખુશીનો પાર ન રહ્યો
ટૂલ તરીકે ઉપયોગ
પૉલ શ્રેડર દ્વારા તેમના મંતવ્યની સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મમેકિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ એક ટૂલ તરીકે કરવો જોઈએ, ન કે એના પર નિર્ભર રહેવું જોઈએ. રાઇટર્સ માટે આ એક સારું ટૂલ બની શકે છે, અને એ ઇમ્પ્રૂવમેન્ટ્સ અથવા તો નવા આઇડિયા માટે ઉપયોગ કરી શકાય છે. રાઇટર્સ બ્લોક જ્યારે આવે, એટલે કે રાઇટરનું દિમાગ બંધ થઈ જાય અને સ્ટોરી આગળ કેવી રીતે લઈ જવી એ વિચાર ન આવે, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકાય છે. જોકે, તેમની આ કમેન્ટને લઈને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.