હિન્દુ ધર્મને સાચા અર્થમાં દર્શાવવા બોલીવૂડમાં બનશે 'હિન્દુત્વ' નામની ફિલ્મ, પોસ્ટર રિલિઝ
નવી દિલ્હી,તા.25.ઓગસ્ટ,2022
બોલીવૂડના નિર્માતા નિર્દેશકો પર આજકાલ હિન્દુ ધર્મની ઈમેજ ખોટી રીતે બતાવવાના આરોપ લાગી રહ્યા છે.
બોલીવૂડ ફિલ્મોના બોયકોટના વ્યાપક બનેલા ટ્રેન્ડનુ આ પણ એક કારણ છે. જોકે હવે બોલીવૂડમાં હિન્દુત્વ શિર્ષકથી જ એક ફિલ્મ બનવા જઈ રહી છે.
અજય દેવગણની દિલવાલે અને દિલજલે જેવી સુપરહિટ ફિલ્મ ઉપરાંત ત્રિમૂર્તિ, દુશ્મની જેવી ફિલ્મોના લેખક તેમજ મિથુનની સુપર હિટ ફિલ્મ ડિસ્કો ડાન્સરમાં નેગેટિવ રોલ કરનાર કરણ રાઝદાને હિન્દુત્વ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરીને તેનુ પોસ્ટર રિલિઝ કર્યુ છે.
આ ફિલ્મ 7 ઓક્ટોબરે રિલિઝ કરવામાં આવશે.જેમાં આશીષ શ્મા, સોનારિકા ભદોરીયા અને અંકિત રાજની મુખ્ય ભૂમિકા હશે. ફિલ્મના નિર્માતા અને લેખક કરણ રાઝદાનનુ કહેવુ છે કે, હિન્દુત્વ ફિલ્મ પ્રેમ, દોસ્તી, વિદ્યાર્થી આલમની રાજનીતિ તેમજ હિન્દુત્વ પર આધારિત હશે. ફિલ્મમાં અમે હિન્દુત્વના એવા પાસા બતાવવાના છે જે અંગે દેશના કેટલાક હિન્દુઓ પણ અજાણ છે.
કરણના કહેવા પ્રમાણે હિ્ન્દુત્વનો અર્થ હિન્દુ ધર્મ નથી થતો. કારણકે હિન્દુત્વ એક શબ્દ છે. મારી ફિલ્મથી કહેવાતા બિન સાંપ્રદાયિક લોકોને ખબર પડશે કે હિન્દુત્વનો ખરેખર શું અર્થ છે. બોલીવૂડમાં હિન્દુઓને અ્ને દેવી દેવતાઓને નેગેટિવ રીતે અથવા તો હાસ્યાસ્પદ રીતે દર્શાવવામાં આવે છે અને તે મને સ્વીકાર્ય નથી. એટલા માટે જ મેં હિન્દુત્વ ફિલ્મ બનાવવાનુ નક્કી કર્યુ છે. જેથી હિન્દુત્વનો સાચો અર્થ લોકોને ખબર પડે.