હિંદી અને તમિલનું શૂટિંગ સમાંતર થશે ગજની ટૂ બે ભાષામાં એકસાથે બનશે, આમિર અને સૂર્યા મુખ્ય ભૂમિકામાં
- ફિલ્મ પર રીમેકનું ટેગ ન લાગે અને દર્શકો માટે નાવીન્ય જળવાઈ રહે તે માટે નિર્ણય
મુંબઇ : આમિર ખાન 'ગજની ટૂ'માં કામ કરી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે નવું અપડેટ એ છે કે આ ફિલ્મ હિંદી અને તમિલમાં એકસાથે જ બનવાની છે. હિંદીમાં આમિર ખાન મુખ્ય ભૂમિકા ભજવશે જ્યારે તમિલમાં સૂર્યાનો મેઈન રોલ હશે.
કોઈ ફિલ્મ એકબીજાની રીમેક ન લાગે અને એક ભાષાના દર્શકો અન્ય ભાષાનું ડબ વર્ઝન જોઈ લે પછી સરખામણી કરે કે ફિલ્મ બાબતે નવીનતા ન રહે તેવું ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે.
આમિર ખાન અને સૂર્યા બંને આ શરતે જ આ ફિલ્મ માટે સંમત થયાનું કહેવાય છે.
'દ્રશ્યમ' ફિલ્મના કિસ્સામાં દરેક ફ્રેન્ચાઈઝી મલયાલમમાં પહેલાં બને છે અને હિંદીમાં બાદમાં રજૂ થાય છે. અનેક ચાહકો અગાઉથી જ મલયાલમ વર્ઝન જોઈ ચૂક્યા હોય છે આથી હિંદી વર્ઝન માટે તેમને ઉત્કંઠા રહેતી નથી .
હાલ બોલીવૂડ અને સાઉથની અનેક ફિલ્મો એકસાથે અનેક ભાષામાં બને છે. તેમાં તમામ કલાકારો પણ એકસમાન જ હોય છે. પરંતુ, 'ગજની ટૂ'માં પહેલીવાર એવો પ્રયોગ થશે કે એક જ સમયે અલગ અલગ ભાષામાં અલગ અલગ મુખ્ય કલાકારો સાથે શૂટિંગ થશે.
હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ રહી છે અને કદાચ ૨૦૨૫ના મધ્યમાં તેનું શૂટિંગ શરુ થાય તેવી સંભાવના છે.