VIDEO: બાબા સિદ્દિકીના સમાચાર સાંભળી રાતના ત્રણ વાગ્યે હોસ્પિટલ પહોંચ્યો સલમાન, ગુસ્સામાં દેખાયો
Salman Khan : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP - અજિત પવાર)ના વરિષ્ઠ નેતા અને ઉદ્યોગપતિ બાબા ઝિયાઉદ્દીન સિદ્દિકીની હત્યાના સમાચાર મળતાની સાથે જ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેમના પરિવારને મળવા માટે રાતે લગભગ 3 વાગે લીલાવતી હોસ્પિટલ પહોંચી ગયો હતો.
સલમાન ખાન શનિવારે બિગ બોસ શોનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે તેને બાબા સિદ્દિકીના મૃત્યુના સમાચાર મળ્યા હતા. મૃત્યુની જાણ થતાની સાથે જ તેણે પોતાનું શૂટિંગ કેન્સલ કરી દીધું હતું. અને શોના સેટ પરથી સીધો મુંબઈની લીલાવતી હોસ્પિટલ પહોંચી ગયો. જો કે, લીલાવતી હોસ્પિટલની બહાર મીડિયાને જોઈને સલમાન ખાન ગુસ્સે થઈ ગયો હતો. કારણ કે સલમાન ખાનની કાર સામે ઘણાં કેમેરામેન ઉભા રહી ગયા હતા. જેના કારણે કારને અંદર જવામાં મુશ્કેલી પડી રહી હતી. આ દરમિયાન તેનો ગુસ્સે ભરાયેલો ચહેરો કેમેરામાં કેદ થયો હતો.
બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઈ છે. ઘરની બહાર કોઈને પણ ઊભા રહેવા દેવામાં નથી આવી રહ્યા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બાબા સિદ્દિકીની હત્યા કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. જેમણે તેમના પર ફાયરિંગ કર્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન દાવો કર્યો છે કે તેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ છેલ્લા કેટલાક વર્ષોથી સલમાન ખાનને તેની હત્યા કરવાની ધમકી આપી ચૂકી છે. થોડા મહિના પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોએ સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગની ઘટનાને અંજામ આપી હતી.
સલમાન ખાન અને બાબા સિદ્દિકી ગાઢ મિત્રો હતા. બાબા સિદ્દિકી એ જ મતવિસ્તારમાંથી ચૂંટણી લડતા હતા, જ્યાં સલમાન ખાન રહે છે. વર્ષ 2013માં બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડાનો અંત આવ્યો હતો. બાબા સિદ્દીકીની પાર્ટીમાં બંનેએ એકબીજાને ગળે લગાવીને શુભેચ્છા પાઠવી હતી.