મનમોહન સિંઘની બાયોપિક માટે હંસલ મહેતાએ માફી માગી
સમગ્ર દેશ સાથે હું પણ તેમની માફી માગું છું
મુંબઈ: ફિલ્મ સર્જક હંસલ મહેતાએ પોતે સ્વ. વડાપ્રધાન મનમોહન સિંઘની બાયોપિક 'ધી એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' સાથે ક્રિએટિવ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હોવા બદલ માફી માગી છે. હંસલ મહેતાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ સ્વ. મનમોહન સિંઘની માફી માગી રહ્યો છે. અન્ય કોઈપણ કરતાં મારે તેમની વધારે માફી માગવાની જરુર છે.
વાસ્તવમાં સ્વ. મનમોહનસિંઘને ઉતારી પાડતી આ ફિલ્મની ટીકા તાજેતરમાં તેમના અવસાન પછી સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. આ અંગેની એક પોસ્ટને હંસલ મહેતાએ પણ અનુમોદન આપ્યું હતું.
તે પછી તરત જ આ ફિલ્મના મુખ્ય કલાકાર અનુપમ ખેરએ આકરું વલણ અપનાવતાં કહ્યું હતું કે અન્ય લોકો આ ફિલ્મની ટીકા કરે તે તેમનો અધિકાર છે પરંતુ હંસલ મહેતા તો ખુદ આ ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર તરીકે સંકળાયેલા હતા. હવે તેઓ કયા મોઢે આ ફિલ્મની ટીકા કરી રહ્યા છે. ખેરે કહ્યું હતું કે આ ફિલ્મના સેટ પર તથા અન્ય કામકાજમાં હંસલ મહેતા સક્રિય હોય તેવા અનેક ફોટા અને વીડિયો તેની પાસે છે.
આ મુદ્દે હંસલ મહેતા અને અનુપમ ખેર વચ્ચે તડાફડી બાદ છેવટે હંસલ મહેતાએ સ્વીકાર્યું છે કે આ ફિલ્મનું કામ સ્વીકારવું એ તેમની પ્રોફેશનલ ભૂલ હતી.