'સોઢી' ને શોધવા તારક મેહતાના સેટ પર પહોંચી પોલીસ, સીસીટીવી ફૂટેજ ફંફોળીને શોધવાનો પ્રયાસ
Image Twitter |
Taarak Mehta ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં સોઢીના પાત્રથી જાણીતા થયેલા એક્ટર ગુરુચરણ સિંહ સોઢી 22 એપ્રિલથી ગાયબ છે. હજુ સુધી તેમનો કોઈ પત્તો નથી, પરંતુ ગુમ થયેલા કેસમાં એક નવી અપડેટ સામે આવી છે. પોલીસ ગુરુચરણ સિંહની શોધ કરતાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર પહોંચી હતી. માહિતી પ્રમાણે દિલ્હી પોલીસ તમામ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે, જેથી કરીને ગુરુચરણ સિંહને શોધવામાં સફળતા મળી શકે.
'તારક મહેતા...'ના સેટ પર પહોંચી પોલીસ
પોલીસ પ્રયાસ કરી રહી છે કે, તેઓ જલ્દી મળી જાય. ગુરુચરણે પોતાનો ફોન દિલ્હીના પાલમ વિસ્તારમાં છોડી દીધો હતો. પોલીસ માટે હવે અભિનેતાને શોધવો એક પડકાર બની રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે, પોલીસ તપાસ કરતી વખતે આ લોકપ્રિય સિટકોમના સેટ પર પહોંચી હતી. સિરિયલના ઘણાં કલાકારો ગુરુચરણના સંપર્કમાં હતા. અભિનેતા વિશે માહિતી મેળવવા દિલ્હી પોલીસ 'તારક મહેતા...'ના સેટ પર ગઈ હતી.
નીલા ફિલ્મ્સના પ્રોડક્શન હેડ સોહિલ રામાણીએ પુષ્ટિ કરી
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દિલ્હી પોલીસ આ અઠવાડિયે જ સેટ પર પૂછપરછ માટે આવી હતી. પોલીસે ઘણા કલાકારો સાથે ગુરુચરણ વિશે વાત કરી. તમામે પોલીસને પણ સહકાર આપ્યો હતો. સાથી કલાકારો પાસે ગુરુચરણસિંહ વિશે જે પણ માહિતી હતી, તે પોલીસને આપી. નીલા ફિલ્મ્સના પ્રોડક્શન હેડ સોહિલ રામાણીએ પુષ્ટિ કરી અને કહ્યું - તપાસ માટે દિલ્હી પોલીસ પણ આ અઠવાડિયે અમારા સેટ પર આવી હતી. તેમણે પૂછ્યું કે, શું ગુરુચરણ અને તમારી વચ્ચે કોઈ ડ્યૂઝ બાકી છે, જોકે નથી. અમે દરેક લોકો ગુરુચરણ માટે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સુરક્ષિત રહે અને સલામત રીતે જલ્દી ઘરે પાછા આવી જાય.
શોના દરેક કલાકારો તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે ટીવીના પોપ્યુલર સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી ફેન્સના ફેવરિટ હતા. તેઓ ગયા મહિનાની 22મી એપ્રિલથી ગુમ છે. અને તેઓ દિલ્હીથી મુંબઈ એરપોર્ટ જવા નીકળ્યા હતાં, પરંતુ તેઓ ફ્લાઈટમાં ચડ્યા નહોતા. જેમાં તેમના પિતાએ ગુરુચરણના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તો આ બાજુ શોની ટીમ ગુરુચરણના ગુમ થવાથી ખૂબ જ ચિંતામાં છે. આ શૉની દરેક વ્યક્તિ તેની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહી છે.
આ પણ વાંચો : તારક મહેતાના 'સોઢી' હજુ ગુમ, પરિવારનું દર્દ છલકાયું, કહ્યું - 'અમે પરેશાન..'
આ પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો 'રોશન સિંહ સોઢી' ગુમ, પિતાએ FIR દાખલ કરી