સલમાન ખાન અને જીશાન સિદ્દિકીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની નોઇડાથી ધરપકડ
Salman Khan and Zeeshan Siddique Received Death Threats: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને બાબા સિદ્દિકીના પુત્ર જીશાન સિદ્દિકીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એ જ વ્યક્તિ છે જેણે બાંદ્રા ઇસ્ટમાં જીશાન સિદ્દિકીના જનસંપર્ક કાર્યાલયમાં ફોન કરીને ધમકી આપી હતી. આ ધમકીભર્યો કોલ શુક્રવારે સાંજે કરવામાં આવ્યો હતો. જીશાન સિદ્દિકી અને અભિનેતા સલમાન ખાનને કોલ પર અજાણ્યા વ્યક્તિ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
નોઈડામાંથી 20 વર્ષના આરોપીની કરી ધરપકડ
જીશાન સિદ્દિકીની ઓફીસના કર્મચારીએ આપેલી ફરિયાદના આધારે નિર્મળનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની તપાસ બાદ નોઈડામાંથી 20 વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આરોપીનું નામ ગુફરાન છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે આ ધમકીભર્યો કોલ માત્ર પૈસા માંગવા માટે કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે અને મામલાને દરેક એંગલથી જોવામાં આવી રહ્યો છે.
મુંબઈમાં કરવામાં આવી હતી ફરિયાદ
મોહમ્મદ તૈયબ ઉર્ફ ગુફરાન દિલ્હીનો રહેવાસી છે. તેની નોઇડાના સેક્ટર-39થી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ ગુરફાનને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈ રહી છે.
પિતાની હત્યા બાદ જીશાનને મળી હતી ધમકી
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે બાંદ્રામાં ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. NCP નેતા પર હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે તેઓ તેમના પુત્ર જીશાન સિદ્દિકીની ઓફિસ પાસે હતા. તેની હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે લીધી છે. પોલીસે આ કેસમાં ઘણા લોકોની ધરપકડ કરી છે. આ સંબંધમાં બુધવારે પણ મહારાષ્ટ્રના પુણેમાંથી વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.