Get The App

ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, ચાહકોનો ઋણ સ્વીકાર કર્યો

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળી, ચાહકોનો ઋણ સ્વીકાર કર્યો 1 - image


- પોતાની જ રિવોલ્વરમાંથી ગોળી છૂટતાં ઘવાયો હતો 

- પગમાં સર્જરી થઈ હોવાથી વ્હિલચેર પર જ બહાર આવ્યો, ચાર સપ્તાહ આરામની સલાહ 

મુંબઈ : અનાયાસે પોતાની જ રિવોલ્વરમાંથી ગોળી છૂટતાં ઘવાયેલા ફિલ્મ અભિનેતા ગોવિંદાને આખરે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. આજે તેણે હોસ્પિટલમાંથી બહાર આવતી વખતે બે હાથ જોડીને સૌનું અભિવાદન કર્યું હતું અને પોતાની રિકવરી માટે  પ્રાર્થનાઓ કરનારા ચાહકોનો જાહેર આભાર માન્યો હતો. 

ગોવિંદો પગે સર્જરી થઈ હોવાથી તે વ્હિલચેર પર જ બહાર આવ્યો હતો. તબીબોએ તેને ચાર સપ્તાહ સુધી સંપૂર્ણ આરામની સલાહ આપી હોવાનું જાણવા મળે છે. તે પછી તેણે ફિઝિયોથેરાપી પણ લાંબા સમય  સુધી કરવી પડશે. 

ઉલ્લેખનીય છે કે ગઈ પહેલી  ઓક્ટોબરે ગોવિંદાને તેના ઘરે તેની  જ રિવોલ્વરમાંથી છૂટેલી ગોળીથી પગમાં ઈજા થઈ હતી. ગોવિંદાના દાવા મુજબ પોતે પરોઢે કોલકત્તા જવાનું હોવાથી ફટાફટ નીકળવાની ઉત્તાવળમાં રિવોલ્વર કબાટમાં મૂકી રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી છટકી ગઈ હતી. રિવોલ્વર બહુ જૂની હોવાથી તેના લોકનો ભાગ ખરાબ હતો. આથી, તે અનલોક જ હતી અને તેમાંથી અચાનક ગોળી છૂટી હતી. 

જોકે, આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસને ગોવિંદાની આ થિયરી પર બહુ ભરોસો પડયો નથી. તેણે ગોવિંદા તથા તેના પરિવારજનોનાં નિવેદનો લીધાં છે અને આ રિવોલ્વર પણ ફોરેન્સિક તપાસ માટે જપ્ત કરી છે. 

ગોવિંદા હાલ મહારાષ્ટ્રમાં  સત્તા ધરાવતી સીએમ એકનાથ શિંદેની શિવસેનાનો સભ્ય છે અને તેથી પોલીસ આ કેસની તપાસમાં સાચવી સાચવીને આગળ વધી રહી છે. આ કેસમાં હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ પણ થઈ નથી. 

ગોવિંદાને હોસ્પિટલમાં મળવા માટે રવીના ટંડન, શત્રુધ્ન સિંહા, રાજપાલ યાદવ સહિતના કેટલાય  કલાકારો પહોંચ્યા હતા. શત્રુધ્નએ ગોવિંદાને કઈ રીતે ગોળી વાગી તે અંગે પ્રવર્તતી તમામ શંકાકુશંકાઓને  રદિયો આપ્યો હતો. 


Google NewsGoogle News