આજે બર્થ એનિવર્સરી કે ડેથ એનિવર્સરી નથી, છતાં ગૂગલે શા માટે સિંગર KKનું બનાવ્યું ડૂડલ? કારણ આવ્યું સામે
Remembering KK by Google Doodle: સમય સમય પર ગૂગલ તેના ડૂડલ્સ દ્વારા વિવિધ ઉજવણી કરતુ જોવા મળે છે. ક્યારેક ડૂડલ કોઈ તહેવારની ઉજવણી કરે છે, તો ક્યારેક તે સ્ટારના જન્મદિવસની ઉજવણી કરે છે. આજે એટલે કે 25 ઓક્ટોબરના રોજ ગુગલે સ્વર્ગસ્થ ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ એટલે કે કે.કે.નું ડૂડલ બનાવ્યું છે. આજે કે.કે.ને કેમ યાદ કરવામાં આવ્યા તે જાણીએ.
1996માં આ ગીતથી કર્યું હતું ડેબ્યૂ
પ્રસિદ્ધ પ્લેબેક સિંગર કે.કે. તેમના ગાયન અને રોમેન્ટિક ગીતો માટે જાણીતા છે.1996માં આજના જ દિવસે કે.કે.એ ફિલ્મ માચીસમાં 'છોડ આયે હમ વો ગલિયાં' ગીતથી પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કર્યું હતુ.
આ ફિલ્મ પછી, કે.કે.એ 1999માં અભિનેત્રી ઐશ્વર્યા રાય, અજય દેવગન અને સલમાન ખાનની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' સાથે 'તડપ તડપ કે ઇસ દિલ સે' ગીત ગાયું હતું, ત્યારપછી તેના ગીતો ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય થવા લાગ્યા.
ગૂગલે કે.કે.ને આપી શ્રદ્ધાંજલિ
25 ઓક્ટોબરના રોજ, ગૂગલે ડૂડલ દ્વારા કે.કે.ના 28 વર્ષના સિંગિંગ કરિયરને સેલિબ્રેટ કર્યું છે અને સાથે લખ્યું છે કે, 'આજનું ડૂડલ રોમેન્ટિક ગીતો માટે જાણીતા પ્લેબેક સિંગર કૃષ્ણકુમાર કુન્નાથ એટલે કે કે.કે.ની ઉજવણી કરે છે.
700 થી વધુ ગીતો, 8 એવોર્ડ
23 ઓગસ્ટ 1968ના રોજ દિલ્હીમાં જન્મેલા કે.કે.એ કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ માર્કેટિંગમાં કામ કર્યું. સંગીત શરૂઆતથી જ તેમનો શોખ હતો અને તેમાં જ કરિયર પણ બનાવ્યું હતું. તેમણે કારકિર્દી દરમિયાન 500થી વધુ હિન્દી અને 200થી વધુ રીજનલ ગીતો રેકોર્ડ કર્યા છે. તેમણે માત્ર હિન્દીમાં જ નહિ પણ મલયાલમ, તેલુગૂ, તમિલ, કન્નડ, મરાઠી, ગુજરાતી, ઉડિયા અને બંગાળી ભાષામાં પણ ગીતો ગાયા છે. તેમની કારકિર્દીમાં, તેમને બે સ્ટાર સ્ક્રીન એવોર્ડ અને 6 ફિલ્મફેર એવોર્ડ મળ્યા.