Get The App

'પહેલી વખત કરી છે સોનાની દાણચોરી, યુટ્યૂબ પરથી રીત શીખી,' રાન્યા રાવનો ફરી ગળે ન ઉતરે તેવો દાવો

Updated: Mar 13th, 2025


Google News
Google News
'પહેલી વખત કરી છે સોનાની દાણચોરી, યુટ્યૂબ પરથી રીત શીખી,' રાન્યા રાવનો ફરી ગળે ન ઉતરે તેવો દાવો 1 - image


Ranya Rao Gold Smuggling: દુબઈથી અંદાજે રૂ. 14 કરોડના ગોલ્ડની દાણચોરી કરનારી કન્નડ અભિનેત્રી રાન્યા રાવે કેસમાં ફરી એકવાર ગળે ન ઉતરે તેવો ખુલાસો કર્યો છે. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રચલિત અભિનેત્રી અને આઈપીએસ અધિકારીની પુત્રી રાન્યા રાવે અધિકારીઓને જણાવ્યું કે, તેણે આ પહેલી વાર જ સોનાની દાણચોરી કરી હતી, અને તેને છુપાવવા માટેની રીત યુટ્યૂબ પરથી શીખી હતી. અગાઉ તેણે તદ્દન વિપરિત નિવેદન આપ્યું હતું કે, તેને ડરાવી-ધમકાવી તેની પાસેથી સોનાની દાણચોરી કરાવવામાં આવી હતી. 

મીડિયા સૂત્રો અનુસાર, રાવે જણાવ્યું હતું કે, 'મેં દાણચોરીની રીત યુટ્યૂબ પરથી શીખી હતી, ત્યારબાદ હું ટેક્નિકનો અમલ કરી દુબઈથી સોનાની દાણચોરી કરી હતી. આ દાણચોરી મેં પ્રથમ વખત જ કરી હતી. અગાઉ ક્યારેય મેં દાણચોરી કરી નથી.' રાવનુ આ નિવેદન તેના પહેલાં નિવેદનથી તદ્દન વિપરિત છે. જેથી રાન્યા પોલીસ અધિકારીઓને ગોળ-ગોળ ફેરવી રહી હોવાનો સંકેત મળ્યો છે. 

રાન્યા રાવ પર છે આરોપ

રાન્યા રાવ પર આરોપ છે કે, તેણે અમુક વિદેશી દાણચોરો સાથે મળી સોનાની દાણચોરી કરી હતી. જેને છુપાવવા માટે ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. જ્યારે રાન્યાએ દાવો કર્યો છે કે, આ ગતિવધિમાં તે અજાણતા જ સંડોવાઈ છે. તેને દાણચોરી કરવા માટે ડરાવવામાં આવી હતી. જો કે, રાન્યા રાવનો આ દાવો ગળે ઉતરી રહ્યો નથી કે, તેણે પ્રથમ વખત સોનાની દાણચોરી કરી છે. કારણકે, ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ) પાસે પુરાવા છે કે, રાન્યા છેલ્લા 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી.

ગયા વર્ષે 30 વખત દુબઈ ગઈ

રાન્યા રાવ જ્યારે બેંગલુરૂ એરપોર્ટ પર ઉતરી ત્યારે તે માથાથી પગ સુધી સોનાથી લાદેલી હતી. પુષ્કળ પ્રમાણમાં સોનું પહેર્યું હતું. ગત વર્ષે તે 30 વખત દુબઈ ગઈ હતી. અને પ્રત્યેક ટ્રીપમાં કિલોથી વધુ સોનું લાવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, તે કથિત રીતે દરેક ટ્રિપ મારફત 12થી 13 લાખ રૂપિયાની કમાણી કરી રહી હતી. તેને સોનાની દાણચોરીના કિલોદીઠ રૂ. 1 લાખ મળતા હોવાની બાતમી છે. ઉલ્લેખનીય છે, રાન્યા રાવ વિરૂદ્ધ સીબીઆઈ તપાસની માગની અરજી ફગાવાઈ દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ સોનાની દાણચોરીમાં પકડાયેલી રાન્યા રાવે DRI પર લગાવ્યા માનસિક ઉત્પીડનના આરોપ, કોર્ટમાં રડી પડી

આઈપીએસ પિતાની સાવકી પુત્રી

કન્નડ અભિનેત્રી રાન્યા રાવ આઈપીએસના વરિષ્ઠ અધિકારી રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. રામચંદ્ર રાવ કર્ણાટક સ્ટેટ પોલિસ હાઉસિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. રાન્યા પાસેથી કેમ્પેગૌડા એરપોર્ટ પર 14.2 કિલો સોનું મળી આવ્યું હતું, જેની કિંમત 12.56 કરોડ રૂપિયા છે. અધિકારીઓને આ સોનું તેના કપડામાં સંતાડેલું  મળી આવ્યુ હતું. તેના પતિ જતીન હુક્કેરી સાથે અવારનવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસો કરવાને લીધે તે  એજન્સીના રડારમાં આવી હતી. તે કથિત રીતે જાંઘ અને કમર સહિત શરીરના વિવિધ ભાગો પર સોનું ચોંટાડીને લાવતી હતી.

ઘરેથી પણ સોનું મળ્યું

ધરપકડ બાદ અધિકારીઓએ બેંગલુરુમાં તેના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, જ્યાંથી રૂ. 2.06 કરોડના દાગીના અને રૂ. 2.67 કરોડની રોકડ મળી આવી હતી. જપ્ત કરાયેલી રકમ અને દાગીના સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આ હતી. કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે દાવો કર્યો હતો કે તેને દાણચોરી માટે બ્લેકમેઈલ કરવામાં આવતી હતી. તે ધાકધમકીના કારણે દાણચોરી કરી છે. પોલીસે રાન્યા સાથે બસવરાજ નામના કોન્સ્ટેબલની પણ અટકાયત કરી હતી.

'પહેલી વખત કરી છે સોનાની દાણચોરી, યુટ્યૂબ પરથી રીત શીખી,' રાન્યા રાવનો ફરી ગળે ન ઉતરે તેવો દાવો 2 - image

Tags :
Ranya-RaoGold-SmugglingKannada-Actress-Gold-Smuggling-case

Google News
Google News