સિંઘમ અગેઇન અને ભૂલ ભૂલૈયા થ્રીના સર્જકો વચ્ચે સ્ક્રીન્સ માટે તકરાર
- સિંઘમે મોટાભાગના પ્રાઈમ શો બૂક કરી લીધા
- ટી સીરિઝના ભૂષણ કુમારે રોહિત શેટ્ટી પર અયોગ્ય રીતરસમના આરોપ સાથે સીસીઆઈમાં ફરિયાદ કરી
મુંબઇ : અજય દેવગણની 'સિંઘમ અગેઇન' અને કાર્તિક આર્યનની 'ભૂલ ભૂલૈયા ૩' બંને તા. પહેલી નવેમ્બરે રીલિઝ થઈ રહી છે. બંને ફિલ્મોના સર્જકો વચ્ચે મહત્તમ સ્ક્રીન્સ મેળવવા માટે ભારે તકરાર થઈ છે. 'ભૂલભૂલૈયા થ્રી'ના નિર્માતા ટી સીરીઝના ભૂષણ કુમારે 'સિંઘમ અગેઈન'ના નિર્માતા રોહિત શેટ્ટી મહત્તમ સ્ક્રીન્સ મેળવવા અયોગ્ય વ્યાપારિક રીતરસમો અપનાવી રહ્યા હોવાનો આક્ષેપ મૂકી કોમ્પિટિશિન કમિશન ઓફ ઈન્ડિયામાં ફરિયાદ કરી છે.
ટી સીરિઝની દલીલ છે કે બંને ફિલ્મોને ૫૦-૫૦ ટકા સ્ક્રીન મળવી જોઈએ. પરંતુ, રોહિત શેટ્ટીએ ૬૦ ટકાથી વધુ સ્ક્રીન બૂક કરી લીધાં છે અને તેમાં પણ સાંજ તથા રાતના મહત્તમ પ્રાઈમ શો બૂક કર્યા છે. આથી, ટી સીરિઝને ભાગે ઓછી સ્ક્રીન આવી છે અને તેને મોટાભાગે મોર્નિંગ કે નૂન શો જ મળ્યા છે.
ટ્રેડ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ લડાઈ અપેક્ષિત જ હતી. હાલ મોટાભાગની ફિલ્મોનાં ભાવિનો ફેંસલો ફર્સ્ટ વીક એન્ડમાં જ થઈ જાય છે અને જે ફિલ્મ વીક એન્ડમાં ચાલે તેને જ સોમવારથી સ્ક્રીન્સ મળે છે.
આ વખતે તો દિવાળી રજાઓનો લોંગ વીક એન્ડ હોવાથી બંને નિર્માતા એક પણ શો ઓછો મળે તે ચલાવી લેવા તૈયાર નથી.
રસપ્રદ રીતે અજય દેવગણ હાલ જે રીતરસમ અપનાવી રહ્યો છે તેનો તે પોતે ભૂતકાળમાં ભોગ બની ચૂક્યો છે. ૨૦૧૨માં તેની 'સન ઓફ સરદાર' શાહરુખની 'જબ તક હૈ જાન' સામે ટકરાઈ હતી. ત્યારે અજયે આરોપ મૂક્યો હતો કે તેને 'જબ તક હૈ જાન'ના નિર્માતા યશરાજ ફિલ્મ્સ દ્વારા પર્યાપ્ત સ્ક્રીન્સ આપવામાં આવતાં નથી.