લાઈગરમાં એક્ટિંગ માટે અનન્યા પાંડેને ઓસ્કર એવોર્ડ આપો
- તદ્દન બેકાર ફિલ્મ અંગે સોશિયલ મીડિયા પર મીમ્સ
- વિજય દેવરકોંડાના સાઉથ ઇન્ડિયન ફેન્સ દ્વારા તેને બોલીવૂડથી દૂર રહેવા ભલામણ કરાઈં
મુંબઈ : વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની લાઈગર ફિલ્મ જોઈને ફિલ્મ રસીયાઓએ માથું કૂટયું છે. સ્ટોરી કે એક્ટિંગના ઢંગધંડા વગરની ફિલ્મ માટે સોશિયલ મીડિયા પર મીમ્સની તડાફડી જામી છે.
સાઉથ ઈન્ડિયાના કેટલાય ચાહકોએ તો વિજય દેવરકોંડાને બોલીવૂડથી દૂર જ રહેવાની સલાહ આપી દીધી છે. તેમના કહેવા મુજબ તેના કરતાં વિજય તેલુગુમાં જ સારા પ્રોજેક્ટ સિલેક્ટ કરે તો એ આપોઆપ પાન ઇન્ડિયા પ્રોજેક્ટ બની જશે.
ફિલ્મના બેહદ રોમાન્ટિક સીનમાં પણ અનન્યા કોઈ એક્સપ્રેશન આપી શકતી નથી. આ સીનની ક્લિપ મુકતાં લોકોએ કહ્યું છે કે અનન્યાને આવી એક્ટિંગ માટે ઓસ્કર જરુર મળવો જોઈએ. કોઈએ લખ્યું છે કે અનન્યા સારી સ્ટ્રગલર છે. તેણે એક્ટિંગ કરવા માટે કેટલી બધી સ્ટ્રગલ કરવી પડી છે.
કેટલાય લોકોએ આ ફિલ્મ જોવા થિયેટરમાં ઘૂસેલા લોકો બહાર નીકળવાનો રસ્તો શોધે છે તેવાં મીમ મુક્યાં છે. તો કોઈએ નિર્માતા કરણ જોહર પાસેથી પૈસા પાછા માગ્યા છે. એક યૂઝરે પુષ્પા ફિલ્મના ફેમસ ડાયલોગ મૈ ઝુકેગા નહીં સાલાનો ઉપયોગ કરી મૈ દેખેગા નહીં સાલા એવું મીમ બનાવ્યું છે.
દરમિયાન સંખ્યાબંધ ટ્રેડ નિષ્ણાતોએ આ ફિલ્મ અંગે નિરાશા વ્યક્ત કરી છે. આ પ્રકારનું કન્ટેન્ટ કોઈ મંજૂર જ કેવી રીતે કરી શકે તેમ કહી તેમણે કરણ જોહરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. કેટલાક નિષ્ણાતોના મતે આ ફિલ્મ બાદ અનન્યાની કારકિર્દી પર ગ્રહણ લાગી શકે છે.