રણબીર કપૂરને પરાણે વળગીને કિસ કરવા યુવતીનો પ્રયાસ
આદિત્ય રોય કપૂર પછી રણબીરને માઠો અનુભવ
અનેક યુવતીઓ રણબીરને ઘેરી વળી : ઘેલછાની હદ વટાવી ગેરવર્તાવ કરતા ચાહકો ચિંતાનો વિષય
મુંબઈ: ફિલ્મ સ્ટાર રણબીર કપૂરને તાજેતરમાં એક ચાહક યુવતીનો માઠો અનુભવ થયો હતો. સેલ્ફી લીધા બાદ આ યુવતીએ રણબીરને પોતાની નજીક ખેંચવાની તથા તેને પરાણે વળગીને કિસ કરી લેવાની કોશીશ કરી હતી. જોકે, રણબીરે ભારે ક્ષોભ સાથે માંડ માંડ આ યુવતીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
હજુ થોડા સમય પહેલાં એક મહિલા ચાહકે આદિત્ય રોય કપૂરને પણ પરાણે કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ પહેલાં એક ચાહકે એરપોર્ટ પર શાહરુખ ખાનનો હાથ પકડી લેવાનો પ્રયાસ કર્યો હતો. હવે રણબીર કપૂરને પણ આવો માઠો અનુભવ થયો છે. ઈવેન્ટ દરમિયાન રણબીરને યુવતીઓએ ઘેરી લીધો હતો. તેમણે રણબીર સાથે સેલ્ફી લેવા માંડી હતી. શરુઆતમાં તો રણબીરે આ ચાહકોને પૂરતો સહકાર આપ્યો હતો. પરંતુ, એક યુવકીએ અનેક સેલ્ફી લીધા બાદ તેની નજીક ધસી જઈ તેને પરાણે પોતાની પાસે ખેંચી વળગીને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અણધાર્યા વર્તાવથી રણબીરે ભારે આંચકા સાથે ક્ષોભ અનુભવ્યો હતો. તેના ચહેરા પર અસ્વસ્થતા તથા નારાજગી સાફ વર્તાઈ આવી હતી.
તેણે માંડ માંડ આ યુવતીને પાછી ઠેલી હતી અને પોતાના માર્ગે આગળ વધ્યો હતો.
દાયકાઓ પહેલાં કોઈ ફિલ્મ સ્ટારને નજીકથી જોવા કે હળવા મળવાનું બહુ અઘરું હતું. પરંતુ હવે ફિલ્મ પ્રમોશન ખાતર સ્ટાર્સ ચાહકોની વચ્ચે સરળતાથી પહોંચી જાય છે જોકે, તેને પગલે ગેરવર્તાવ કરતા ચાહકોના કિસ્સા પણ વધી રહ્યા છે.