અલવિદા પંકજ ઉધાસ... તેમનો જન્મ ગુજરાતના જેતપુરમાં થયો હતો, નાનપણમાં ગીત ગાવાના 51 રૂપિયા મળેલા
Pankaj Udhas Passed Away : મનોરંજન જગતથી માઠા સમાચાર આવ્યા છે. લેજેન્ડરી સિંગર અને પદ્મશ્રી પંકજ ઉધાસનું નિધન થઈ ગયું છે. મુંબઈમાં 72 વર્ષની ઉંમરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા. પંકજની દીકરી નાયાબ ઉધાસે સિંગરના મોતના સમાચાર શેર કર્યા છે.
પંકજ ઉધાસના નિધનના સમાચાર મળતા જ સંગીતની દુનિયામાં માતમ છવાયો છે. પંકજ જેવા ગઝલ ગાયકનું આવી રીતે દુનિયા છોડીને જવું ફેન્સ માટે આંચકાજનક સાબિત થયું છે. ફેન્સ સોશિયલ મીડિયા પર સિંગરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
પંકજ ઉધાસના નિધન પર વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદીએ પંકજ ઉધાસને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન મોદીએ 'X' પર લખ્યું કે, આપણે પંકજ ઉધાસ જીના નિધન પર દુઃખ વ્યક્ત કરીએ છીએ, જેમના ગાવાની રીત અનેક પ્રકારની ભાવનાઓને વ્યક્ત કરતી હતી અને જેમની ગઝલો સીધા આત્માથી વાત કરતી હતી. તેઓ ભારતીય સંગીતના એક પ્રકાશ સ્તંભ હતા, જેમની ધૂનો પેઢીઓથી ચાલી આવી રહી હતી. મને ગત વર્ષોમાં થયેલી કેટલીક વાતો યાદ છે. તેમના જવાથી સંગીત જગતમાં એક ખાલીપણું આવી ગયું છે, જેને ક્યારે નહીં ભરી શકાય. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદનાઓ. શાંતિ.
ગુજરાતના જેતપુરમાં થયો હતો જન્મ
પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. તેઓ પોતાના ત્રણેય ભાઈઓમાં સૌથી નાના હતા. તેમનો પરિવાર રાજકોટ પાસે ચરખાડી નામના ગામે રહેતો હતો. તેમના દાદા જમીનદાર હતા અને ભાવનગર રાજ્યના દીવાન પણ હતા. તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતી, તેમને ઈસરાજ વગાડવાનો ખુબ શોખ હતો. તેમની માતા જીતુબેન ઉધાસને ગીતનો ખુબ શોખ હતો. એજ કાણ હતું કે પંકજ ઉધાસ સહિત તેમના બંને ભાઈઓ સંગીત તરફ વળ્યા.
એક સમયે તેમને ગાવાના 51 રૂપિયા મળ્યા હતા
પંકજે ક્યારે નહોતું વિચાર્યું કે તેઓ પોતાનું કરિયર સિંગિંગમાં બનાવશે. તે દિવસોમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે લતા મંગેશકરનું 'એ મેરે વતન કે લોગો' ગીત રિલીઝ થયું હતું. પંકજને આ ગીત ખુબ પસંદ આવ્યું. તેમણે વગર કોઈની મદદે આ ગીતને તે લય અને સુર સાથે તૈયાર કર્યું.
એક દિવસ સ્કૂલ પ્રિન્સિપાલને ખબર પડી કે તેઓ સરસ ગીત ગાય છે, જ્યારબાદ તેમને સ્કૂલ પ્રેયર ટીમના હેડ બનાવી દીધા. એક વખત તેમની શેરીમાં માતાજીની ચોકી બેઠી હતી. રાત્રે આરતી-ભજન બાદ ત્યાં કલ્ચરલ પ્રોગ્રામ થતો હતો. આ દિવસે પંકજના સ્કૂલ ટીચર આવ્યા અને તેમણે કેલ્ચરલ પ્રોગ્રામમાં પંકજને એક ગીત ગાવા કહ્યું.
પંકજે એ મેરે વતન કે લોગો ગીત ગાયું. આ ગીતથી ત્યાં બેઠેલા તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા. તેમના ખુબ વખાણ થયા. દર્શકોમાંથી એક વ્યક્તિએ ઉભા થઈને તાળી વગાડી અને ઈનામ તરીકે 51 રૂપિયા આપ્યા.
1980ના દાયકામાં કારકિર્દીની શરૂઆત કરી હતી
પંકજ ઉધાસ એક પ્રખ્યાત ગાયક હતા અને તેમણે દેશ સહિત વિશ્વભરમાં પણ નામના મેળવી છે. ઉધાસે 1980ના દાયકામાં તેમના કરિયરની શરૂઆત કરી હતી તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં ‘ચિઠ્ઠી આઈ હૈ’, ‘ચિત્કારા’, મેં તો કહી દીયા’, ‘તુજે દેખા તો યે જાના સનમ’ અને ‘જિંદગી કા સફર’નો સમાવેશ થાય છે. ઉધાસે ફિલ્મો માટે પણ ઘણા ગીતો ગાયા છે, જેમાં ‘મિર્ચ મસાલા’, ‘સરદાર’ અને ‘દિલ કા રીશતા’નો સમાવેશ થાય છે.
ગુજરાતી ફિલ્મોમાં પણ તેમનો અવાજ
તેમણે હિન્દી ફિલ્મો ઉપરાંત ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન શોમાં પણ અવાજ આપ્યો હતો. ઉધાસને તેમના અભિનય માટે અનેક પુરસ્કારો પણ મળ્યા છે. પંકજ ઉધાસ ભારતીય સંગીત જગતના સૌથી પ્રિય અને આદરણીય કલાકારોમાંના એક છે. તેમની પ્રતિભા અને સિદ્ધિઓને હંમેશા યાદ કરવામાં આવશે.