'પંકજ ઉધાસ' : 80ના દાયકામાં ફિલ્મ સંગીત કરમાતા ગઝલ યુગમાં ઝળક્યો સિતારો

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
'પંકજ ઉધાસ' : 80ના દાયકામાં ફિલ્મ સંગીત કરમાતા ગઝલ યુગમાં ઝળક્યો સિતારો 1 - image


- પાંચ વર્ષના બાળકને અજાણ્યા શ્રોતાએ ૫૧ રૂપિયાનો પુરસ્કાર આપ્યો અને પંકજ ઉધાસની કારકિર્દી શરુ થઈ

- સંજોગોએ પણ પંકજ ઉધાસને કેવો સાથ આપ્યો. હિંદી ફિલ્મોમાં સૂરીલાં સંગીતનો સુવર્ણ યુગ ક્યારનોય ખત્મ થઈ ચૂક્યો હતો. અમિતાભ બચ્ચનની મારધાડ ધરાવતી એક્શન ફિલ્મોમાં એવું અમર સંગીત સર્જાતું ન હતું. હજુ ૯૦ના દશકાનો રોમાન્ટિક મેલોડિયસ ગીતોનો ગૂંજારવ શરુ થવાનો બાકી હતો. આ એક આશરે ૨૦થી ૨૫ વર્ષનો એવો તબક્કો હતો જ્યારે પંકજ ઉધાસ અને જગજીતસિંહ સહિતના ગઝલગાયકો સાચા અર્થમાં નામ અને દામ કમાયા

ભારત-ચીન યુદ્ધ પછીનો સમય. એક સ્ટેજ કાર્યક્રમમાં મોટાભાઈએ પોતાના પાંચ વર્ષના નાના ભાઈ ને સ્ટેજ પર ઊભો રાખી દીધો. આ નાનકડા બાળકે બહુ સૂરીલા અવાજે ગીત ગાયું અને ઓડિયન્સમાં રહેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. એ વખતે એક કદરદાન શ્રોતા સ્ટેજ પર આવીને આ નાના બાળકના હાથમાં ૫૧ રુપિયા મૂકી દીધા. એ જમાનામાં આ કેટલી મોટી રકમ કહેવાય તેની પણ સમજ એ બાળકને ન હતી, પરંતુ એ જ ક્ષણથી ભારતીય સંગીતમાં વધુ એક સ્ટાર પેદા થઈ ચૂક્યો હતો. એ બાળક એટલે પંકજ ઉધાસ અને એ ગીત એટલે ભારત-ચીન યુદ્ધ પછી તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સહિત સમગ્ર દેશની આંખો અને આત્માને ભજવી ગયેલું પ્રદીપનું અમર ગીત 'અય મેરે વતન કે લોગો.'

મૂળ ગુજરાતનાં સૌરાષ્ટ્રના જેતપુર ગામના વતની પંકજ ઉધાસને અને તેમના પરિવારને પણ એટલું  સમજાઈ ચુક્યું હતું કે પંકજની કારકિર્દી ગાયનમાં છે. સંગીત તો જોકે સમગ્ર પરિવાર સાથે સંકળાઈ ચૂક્યું હતું. તેમના પિતા કેશુભાઈ એક સરકારી કર્મચારી હતા, પરંતુ રાજકોટમાં વસવાટ દરમિયાન અબ્દુલ કરીમ ખાને તેમને દિલરુબા વગાડતાં શીખવાડયું અને આ સમગ્ર પરિવારની જિંદગી સાત સૂરોની આલમમાં કેન્દ્રિત થઈ ગઈ. નિર્મલ, મનહર અને પછી સૌથી નાના પંકજે  નાનપણથી જ તબલાંવાદનમાં પ્રવીણતા મેળવી અને  બાદમાં ગુલામ કાદિર ખાન સાહેબ પાસે શાસ્ત્રીય સંગીતની બાકાયદા તાલીમ પણ હાંસલ કરી.  

એ અરસામાં પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ચૂક્યો હતો. પંકજે  મુંબઈમાં એક તરફ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન મેળવ્યું, તો બીજી તરફ  ગ્વાલિયર ઘરાનાના નવરંગ નાગપુરકરના શિષ્ય તરીકે શાસ્ત્રીય સંગીતની  તાલીમ આગળ વધારી. સેન્ટ ઝેવિયર્સમાંથી સાયન્સના સ્નાતક થયેલા પંકજ ઉધાસન ૧૯૭૧માં ે ઉષા મંગેશકરના સંગીત દિગ્દર્શન હેઠળ 'કામના' ફિલ્મથી બ્રેક મળ્યો હતો.  જોકે પંકજ બોલિવુડના કે સુગમ સંગીતના અન્ય ગાયકો કરતાં સાવ જ જુદી એવી ગઝલ સિંગિંગની રાહ પકડશે અને તેમાં નામ કમાશે તેવી કોઈને કલ્પના ન હતી. ખુદ પંકજ ઉધાસે વર્ષો પછી કહ્યું હતું તેમ, રાજકોટમાં તેમના ઘરે રેડિયો પર તેઓ ક્યારેક ક્યારેક બેગમ અખ્તરને સાંભળતા. એ સાંભળીને જ નાનપણમાં તેમના માનસમાં ગઝલગાયકી માટે ચાહત જન્મી હતી. 

મુંબઈમાં મનુભાઈ ગઢવીએ ઉધાસ બંધુઓને મનોરંજનની દુનિયામાં સ્થાયી થવામાં  ખાસ્સી મદદ કરી. થોડાં વર્ષો સુધી યુવાન પંકજે કેનેડામાં કેટલાક શો કર્યા અને ઠીક ઠીક જાણીતા થયા. પહેલો મોટો બ્રેક આવ્યો ૧૯૮૦માં. એ આલ્બમનું નામ હતું 'આહટ'. એ આલ્બમે પંકજને ભારતના ટોચના ગઝલ ગાયકોમાં સ્થાપિત કરી દીધા. એ પછી 'મુકરાર', 'તરન્નુમ', 'મહેફિલ' એમ એક પછી એક આલ્બમો આવતાં ગયાં. આ સૂરીલી સફલ એમને લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં પ્રતિષ્ઠિત શો સુધી લઈ ગઈ. 

સંજોગોએ પણ પંકજ ઉધાસને કેવો સાથ આપ્યો. હિંદી ફિલ્મોમાં સૂરીલા સંગીતનો સુવર્ણ યુગ ક્યારનોય ખતમ થઈ ચૂક્યો હતો. અમિતાભ બચ્ચનની મારધાડ ધરાવતી એક્શન ફિલ્મોમાં  અમર સંગીત સર્જાતું ન હતું. હજુ ૯૦ના દશકાનો રોમાન્ટિક મેલોડિયસ ગીતોનો ગૂંજારવ શરુ થવાનો બાકી હતો. આ આશરે ૨૦થી ૨૫ વર્ષનો એવો  તબક્કો હતો જ્યારે  પંકજ ઉધાસ, જગજીત સિંહ સહિતના ગઝલગાયકો સાચા અર્થમાં નામ અને દામ કમાયા. 

એ તો જાણીતી વાત છે કે પંકજ ઉધાસને અસલી નામ અને દામ મેળવી આપવામાં મહેશ ભટ્ટની 'નામ' ફિલ્મના 'ચીઠ્ઠી આઈ હૈ' ગીતે સૌથી મહત્ત્વનો ફાળો આપ્યો. ગઝલો નહીં સાંભળતા સરેરાશ શ્રોતા માટે  પંકજ ઉધાસ એટલે 'ચિઠ્ઠી આઈ હૈ'ના ગાયક એવી જ ઓળખાણ દાયકાઓથી પાકી થઈ ચુકી છે. ૧૯૮૬માં રિલીઝ થયેલી 'નામ'નું આ ગીત આવ્યાને આજે  ૩૮ વર્ષ થઈ ગયાં છે , પરંતુ  હજુ સુધી એનઆરઆઈઓની પેઢી-દર-પેઢી આ ગીત સાંભળીને વતનઝુરાપો અનુભવતી રહી છે. 

ગઝલોના બાદશાહની લવસ્ટોરી પણ બિલકુલ ફિલ્મી

પંકજ  ઉધાસ ગ્રેજયુએશન કરતા હતા એ જ વખતે તેમના એક પડોશીએ તેમની મુલાકાત એરહોસ્ટેસ ફરિદા સાથે કરાવી હતી. પંકજ ઉધાસ ફરિદાને જોતાં વેંત તેમના પ્રમમાં પડી ગયા હતા. બંને વચ્ચ મુલાકાતો વધતી ગઈ અને છેવટે તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. જોકે હિન્દુ પંકજ અને મુસ્લિમ ફરિદા વચ્ચેનાં લગ્ન બહુ સરળ ન હતાં. ફરિદાના પિતા રિટાયર્ડ પોલીસ  અધિકારી હતા. પંકજે ભારે હિંમત કરીને તેમને રુબરુ મળીને ફરિદાનો હાથ માગ્યો હતો. પંકજ અને ફરિદાને બે દીકરીઓ નાયાબ અને રીવા છે. તેમાંથી નાયાબ તો મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સથે જ સંકળયેલી છે અને પોતાનું બેન્ડ પણ ચલાવે છે.

'ચિઠ્ઠી આઈ હૈ'માં વિદેશી ભારતીયોને પંકજ ઉધાસે વગર ગ્લિસરીને રોવરાવ્યા હતા 

પંકજ ઉધાસના લાંબી માંદગી બાદ થયેલા અવસાનને કારણે ૮૦-૯૦ની એક પેઢી ખૂબ જ દુ:ખ વ્યક્ત કરી રહી છે ત્યારે તેમની કેટલીક અજાણી વાતો પણ ગુજરાત સાથે સંકળાયેલી છે. 

આ અંગે વાત કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વાધ્યક્ષ અંબાદાન રોહડિયા જણાવે છે કે અમે પાકિસ્તાન હિંગળાજ દર્શને ગયા હતા ત્યારે ત્યાંના વાહનોમાં પંકજ ઉધાસની ગઝલો વાગતી હતી. અમે પૂછયું કે અમને ભારતીય સમજીને આ ગઝલો સંભળાવો છો. ત્યારે ત્યાંના કાર ચાલકોએ જણાવ્યું હતું કે અમે પાકિસ્તાનમાં પંકજ ઉધાસની જ ગઝલો સાંભળીએ છીએ. માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ અફઘાનિસ્તાનમાં પણ પંકજ ઉધાસની ગઝલો ખૂબ પ્રચલિત હતી અને આજે પણ છે. આજે પણ ત્યાંની એક પેઢી પંકજ ઉધાસની ગઝલો સાંભળે છે. રાજકોટ પાસેના ચરખડી ગામના જમીનદાર એવા કેશુભાઈ ગઢવી ઉધાસના પુત્ર પંકજ ઉધાસ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમની ગઝલો ખ્યાતનામ હતી. 

અંબાદાન રોહડિયા વધુમાં પંકજ ઉધાસ સાથેના અનુભવોની વાત કરતાં જણાવે છે કે એક પ્રસંગમાં અમે 'તેમને ચીઠ્ઠી આઈ હૈ' ગીત વિશે હસતાં હસતાં પૂછયું હતું કે આ ગીતમાં જે લોકો રડી રહ્યા છે તે બધાં જ ગ્લીસરિન લગાડીને રડે છે કે પછી ખરેખર રડે છે ? ત્યારે પંકજીએ જવાબ આપ્યો હતો કે એ મારો લાઈવ પ્રોગ્રામ હતો. જે લોકો તેમાં બેઠા હતાં તે વિદેશમાં વસતા ભારતીયો જ હતા અને આ ગીત સાંભળતા સાંભળતા તેઓ ખરેખર નેચરલી રડવા લાગ્યા હતા અને તેની અસર લાંબા અરસા સુધી રહી અને ગીત પણ લોકોમાં અમર થઈ ગયું. 

તેઓ વધુમાં ઉમેરે છે કે તેઓ નિયમિત રીતે પોતાના ગામ ચરખડી પરિવાર સાથે આવતા અને પોતાના સગાવ્હાલાને મળતા તેમના કુળદેવીના દર્શન પણ કરતાં.  તેઓ બહુ મોટા ગજાના દાતા પણ હતા. તેમના કાર્યક્રમમાંથી આવતી રકમમાંથી સમાજના જરુરિયાતમંદ પરિવારો માટે દાન પણ કરતાં અને ચેરિટી શો પણ કરતા. અમદાવાદની સીએનમાં થયેલો એક જામપેક કાર્યક્રમ આજે પણ એ સમયના ચાહકોને યાદ છે.છેલ્લે જ્યારે મઢડા ખાતે આઈ સોનબાઈમાંના સાનિધ્યમાં ગુજરાતના પદ્મશ્રીઓને સન્માનિત કરવાના હતા ત્યારે તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી. 

ધૂમ ટુથી જાણીતા બનેલા ડાયરેક્ટર સંજય ગઢવી તેમના સગા ભાણીયા હતા. જેમના પિતા મનુભાઈ ગઢવીએ મનહર ઉધાસને મુબઈમાં ઓડિશનમાં બોલાવીને એક રાષ્ટ્રીય કક્ષાના ગાયકની શોધ કરી હતી.

'જીયે તો જીયે કૈસે', 'ન કજરે કી ધાર' ...અનેક સુપરહિટ ગીતો આપ્યા

ઉધાસ બંધુઓમાંથી મનહર ઉધાસે હિંદી ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે નામના મેળવી, પરંતુ પંકજ ઉધાસનું  ફોકસ ક્યારેય બોલિવુડ રહ્યું ન હતું. આમ છતાં પણ જ્યારે પણ તક મળી ત્યારે તેમણે એક એકથી ચઢિયાતાં સુપરહિટ ગીતો આપ્યાં. તેમને મહત્તમ પ્રસિદ્ધિ અપાવનારું ગીત 'ચિઠ્ઠી આઈ હૈ ' મહેશ ભટ્ટની 'નામ' ફિલ્મનું હતું.  આ ગીત સંજય દત્ત પર પિક્ચરાઈઝ થયું હતું. વર્ષો પછી સંજય દત્તની જ ફિલ્મ 'સાજન'નું ગીત 'જીયેં તો જીયેં કૈસે બિન આપ કે ' એટલું જ સુપરહિટ નિવડયું હતું. આ બંને ગીતમાં પંકજ ઉધાસ ઓનસ્ક્રીન પણ ગાયક તરીકે દેખાય છે. 'સાજન'ના આ ગીત માં માધુરી દીક્ષિત પણ છે. માધુરીની વિનોદ ખન્ના સાથેની અને ફિરોઝ ખાનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'દયાવાન'માં પણ પંકજ ઉધાસે અનુરાધા પૌડવાલ સાથે એક ડયુએટ આપ્યું હતું. ગીતના શબ્દો હતા, 'આજ  ફિર તુમ પે પ્યાર આયા હૈ બેહદ ઔર બેસુમાર આયા હૈ '. અનુરાધા પૌડવાલ સાથેનું એમનું બીજું જાણીતું ડયુએટ એટલે ૯૦ના દાયકાનો મેલોડિયસ ગીતોનો જમાનો 'આશિકી' પહેલાં પણ જે આલ્બમથી શરુ થયો એ 'લાલ દુપટ્ટા મલ મલ કા 'નું ગીત ,'તુમને રખ તો લી તસવીર હમારી'.  'લાલ દુપટ્ટા મલ મલ કા'ની જેમ જ ટી સિરીઝને બખ્ખા કરાવી દેનારા એ આલ્બમનાં ગીતોને વણી લેતી પછી ફિલ્મ પણ બની હતી. 'બહાર આને તક'માં પણ પંક જઉધાસનું એક જાણીતું ગીત  અનુરાધા પૌડવાલ સાથે હતું, જેના શબ્દો હતા - 'મહોબ્બત ઈનાયત કરમ દેખતેં હૈ'૧૯૮૯ના અરસામાં જ એક ફિલ્મ આવી હતી- 'ગવાહી'. આ ફિલ્મ બહુ જાણીતી ન થઈ પરંતુ પંકજ ઉધાસે  અનુરાધા પૌડવાલ સાથે ગાયેલું ડયુએટ 'ભૂલ ભૂલૈયા સા યે જીવન ઔર હમ તુમ અન્જાન' બહુ લોકપ્રિય થયું હતું.  સની દેઓલને એક્શન સ્ટાર તરીકે સ્થાપિત કરનારી ફિલ્મ 'ઘાયલ'માં એક બેહદ રોમાન્ટિક સોંગ પંકજ અને લતાજીનું ડયુએટ હતું. એ ગીત 'માહિયા તેરી કસમ હાય'  પણ લોકપ્રિય બન્યું હતું.  એ પછી ૧૯૯૨માં માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ પર પિક્ચરાઈઝ થયેલું 'સંગીત' ફિલ્મનું  લોકપ્રિય ડયુએટ, જે પંકજ ઉધાસ અને અનુરાધા પૌડવાલે ગાયું હતું, જેના શબ્દો હતા, 'જો ગીત નહીં જન્મા વો ગીત બનાયેંગે'. ફિલ્મ  ઉદ્યોગને પંકજની અસલી પ્રતિભાનો પરચો આપનારા મહેશ ભટ્ટે જ્યારે  ફિલ્મ 'ફિર તેરી કહાની યાદ આઈ ' બનાવી ત્યારે તેમાં ફરી પંકજ ઉધાસને એક સુપરહિટ ગીત મળ્યું હતું 'દિલ દેતા હૈ રો રો દુહાઈ, કિસી સે કોઈ પ્યાર ન કરે'. 

એક્ટિંગ નહીં કરું તેમ કહી રાજેન્દ્રકુમારને 'ચિઠ્ઠી આઈ હૈ ' માટે ના પાડી દીધી હતી

'નામ' ફિલ્મ બની રહી હતી ત્યારની આ વાત. આ ફિલ્મ મૂળ તો રાજેન્દ્ર કુમારે દીકરા કુમાર ગૌરવની લથડી ગયેલી કરીઅરને ફરીથી સેટ કરવા માટે બનાવી હતી. સલીમ-જાવેદની મશહૂર લેખક જોડી છુટી પડી ચુકી હતી અને તે પછી સલીમે પોતાની પાસે રહેલી કેટલીક લાગણીભરી વાર્તાઓમાંથી એક વાર્તા રાજેન્દ્ર કુમારને સંભળાવી હતી, જેના પરથી 'નામ'નો આઇડિયા જન્મ્યો હતો. સલીમ ખાન,  નિર્દેશક મહેશ ભટ્ટ અને નિર્માતા રાજેન્દ્ર કુમારની  ત્રિપુટીએ એવું નક્કી કર્યું કે 'ચિઠ્ઠી આઈ હૈ' ગીત ભલે સંજય દત્ત પર  ફિલ્માવાય પણ તે એક પ્લેબેક સોંગ નહીં હોય. દેખીતી રીતે જ આ ગાયક પણ એવા હોવા જોઈએ જેમને ભારત સહિત દુનિયાભરમાં વસેલા અન્ય ભારતીયો પણ ઓળખતા હોય.  પંકજ ઉધાસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે રાજેન્દ્ર કુમારને ના પાડી દીધી હતી કે પોતે પડદા પર એક્ટિંગ નહીં કરે! એક તબક્કો તો એવો પણ આવ્યો જ્યારે પંકજ ઉધાસે રાજેન્દ્ર કુમારના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આખરે મનહર ઉધાસે તેમને માંડ માંડ સમજાવ્યા. તેમને કહેવામાં આવ્યું કે વાસ્તવમાં તેમણે કોઈ સ્ટેજ શોમાં ગાતા હોય તે રીતે ગાવાનું છે અને એક્ટિંગની બહુ ચિંતા કરવાની નથી. પંકજ ઉધાસ માંડ માંડ માન્યા અને તે પછી જે થયું તે ઇતિહાસ છે. 


Google NewsGoogle News