લોકેશ કનગરાજનું દિમાગ ચેક કરાવોઃ હાઈકોર્ટમાં અરજી
- મદ્રાસ હાઈકોર્ટમાં દિગ્દર્શક સામે અરજી
- લિયો ફિલ્મ રીલીઝ થયાના 3 મહિને પ્રતિબંધની માંગઃ અતિશય હિંસા દર્શાવાયાનો આરોપ
મુંબઇ : 'લિયો' જેવી હિંસા પ્રચૂર ફિલ્મ બનાવવા બદલ દિગ્દર્શક લોકેશ કનગરાજના દિમાગની તપાસ કરાવવી જોઈએ તેવી માગણી કરતી એક અરજી મદ્રાસ હાઈકોર્ટમાં કરવામાં આવી છે. આ ફિલ્મ થિયેટરમાં રીલીઝ થયાને ત્રણ માસ વીતી ચૂક્યા છે અને તે ઓટીટી પર પણ રીલીઝ થઈ ચૂકી છે પરંતુ હવે આ અરજીમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી પણ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે ફિલ્મમાં બેફામ હિંસા છે, ધાર્મિક પ્રતીકોનો દુરુપયોગ થયો છે. માદક દ્રવ્યોનાં સેવનને ઉત્તેજન અપાયું છે અને બાળકો પરની હિંસાને પણ સહજ રીતે દર્શાવાઈ છે.
ફિલ્મમાં દર્શાવાયું છે કે પોલીસની મદદથી તમામ ગેરકાનૂની ગતિવિધિઓ, માદક પદાર્થોની તસ્કરી તથા હથિયારોનો ગમે તેમ ઉપયોગ થઈ શકે છે.
આવી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ કેવી રીતે મળી ગયું તેની તપાસ થવી જોઈએ. સાથે સાથે દિગ્દર્શક લોકેશ કનગરાજના દિમાગની મનોવૈજ્ઞાાનિક તપાસ થવી જોઈએ. આ ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાવો જોઈએ.
ફિલ્મમાં વિજય અને તૃષા કૃષ્ણન ઉપરાંત સંજય દત્ત સહિતના કલાકારોએ કામ કર્યું છે. આ ફિલ્મ વર્લ્ડવાઈડ ૬૫૦ કરોડનું કલેક્શન કરી ચૂકી હોવાનું કહેવાય છે.
ફિલ્મ રીલીઝ થયા બાદ લોકેશ કનગરાજે સોશિયલ મીડિયા પરથી બ્રેક લીધો છે.