ગદ્દર થ્રીમાં પાકિસ્તાન સંબંધિત સ્ટોરી નહીં હોય
- આવતાં વર્ષથી શૂટિંગ, 2025માં રીલીઝ થશે
- સની દેઓલ કરતાં દિગ્દર્શક અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષની ભૂમિકા જ મુખ્ય હશે
મુંબઇ : સની દેઓલની 'ગદ્દર ટૂ'ની અપૂર્વ સફળતા બાદ 'ગદ્દર થ્રી'ની તૈયારી શરુ થઈ ગઈ છે. જોકે, આ ફિલ્મ વિશે એક મહત્વની વાત જાણવા મળી છે કે આગલા બંને ભાગથી વિપરીત રીતે ત્રીજા ભાગની સ્ટોરી પાકિસ્તાન સંબંધિત નહીં હોય.
'ગદ્દર થ્રી'માં સની દેઓલ નહીં પણ દિગ્દર્શક અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષને જ મુખ્ય હિરો તરીકે રજૂ કરાશે. 'ગદ્દર ટૂ' થી જ ફિલ્મની સ્ટોરી આગળ વધશે અને ભાગ બેના ખલનાયકના પુત્રને જ ભાગ ત્રણમાં વિલન તરીકે દર્શાવાશે. આ ફિલ્મ બનારસના બેકગ્રાઉન્ડ પર આધારિત હશે.
ફિલ્મનું પ્રિ પ્રોડક્શન શરુ કરી દેવાયું છે. આવતાં વર્ષે ફિલ્મ ફલોર પર જશે. બધું જ સમુસુતરું પાર ઉતરશે તો ૨૦૨૫ની ૧૫મી ઓગસ્ટે ફિલ્મ રીલીઝ કરી દેવાનું પણ પ્લાનિંગ થઈ ગયું છે.
ભાગ એક સંપૂર્ણપણે સની દેઓલ તથા અમીષા પટેલની સ્ટોરી પર આધારિત હતો. બીજી તરફ 'ગદ્દર ટૂ' તો ઉત્કર્ષ શર્માને મોટાપાયે લોન્ચ કરવા માટે જ બનાવાઈ હોવાની ટીકાઓ પણ થઈ હતી. જોકે, પહેલા ભાગની ગુડવિલના જોર પર બીજા ભાગને બોક્સ ઓફિસ પર જબ્બર સફળતા મળી હતી. હવે આ જ ગુડવિલનો લાભ લઈ ત્રીજો ભાગ બનાવવાનું આયોજન થયું છે.