બે ભાગેડુ એક સાથે? વિજય માલ્યાના પુત્રના લગ્નમાં લલિત મોદીએ હાજરી આપી
Image: Twitter |
Siddharth Mallya Jasmine Marriage Photos: દેશમાંથી કરોડો રૂપિયાનું ફુલેકું કરી વિદેશ પલાયન થઈ ગયેલા વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા લગ્ન પરિણયમાં બંધાયો છે. જેમાં વિજય માલ્યાએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચીફ અને ભાગેડુ લલિત મોદી પણ હાજર રહ્યા હતા. બંને ભાગેડુની લગ્ન સમારોહની તસવીરો જોઈને ઈન્ટરનેટ પર લોકોએ રોષ ઠાલવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે વિજય માલ્યા અને લલિત મોદીની તસવીરો પર મિમ પણ બનાવી ટીકાઓ કરી છે.
લલિત મોદી વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થના લગ્નના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. કેમેરામાં કેદ થયેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં જોઈ શકાય છે કે મોદી હર્ટફોર્ડશાયરમાં વિજય માલ્યાના આલીશાન બંગલામાં હાજર છે. તેની હાજરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે, લલિત મોદીને 2010ની આઈપીએલ સીઝન બાદ તરત જ બીસીસીઆઈમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેના પર છેતરપિંડી અને નાણાકીય અનિયમિતતાનો આરોપ હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દાવો કર્યો હતો કે IPL ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે મોદીએ વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રૂપ (WSG)ના અધિકારીઓ સાથે મળીને સંસ્થા સાથે રૂ. 753 કરોડની છેતરપિંડી કરી હતી. બીજી બાજુ 5 જાન્યુઆરી, 2019ના રોજ મુંબઈની એક વિશેષ અદાલતે માલ્યાને 'ભાગેડુ' જાહેર કર્યા હતા. વિજય માલ્યા 9 હજાર કરોડનું દેવુ કરી વિદેશ ફરાર થયો હતો.
14 મિલિયન ડોલરની વિશાળ હવેલીમાં સિદ્ધાર્થના લગ્ન
સિદ્ધાર્થે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ દંપતીએ ખ્રિસ્તી અને પરંપરાગત હિંદુ ધર્મ અનુસાર લગ્ન કર્યા હતાં. તસવીરોમાં હર્ટફોર્ડશાયરના ટેવિનમાં 14 મિલિયન ડોલરની વિશાળ હવેલી દર્શાવવામાં આવી છે, જે તમામ ઉજવણી માટે અદ્ધભૂત ડેકોરેશનથી સજ્જ છે.
માલ્યાએ 2015માં ભારતમાંથી પલાયન કર્યા પહેલાં જ પ્રખ્યાત F1 રેસર લુઈસ હેમિલ્ટનના પિતા એન્થોની હેમિલ્ટન પાસેથી હવેલી 'લેડીવોક' ખરીદી હતી. તે 30 એકરમાં ફેલાયેલી છે અને તેમાં અનેક સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ અને ફુવારાઓ છે.