સોશિયલ મીડિયા પર બની એવી ઘટના કે 'ડર્ટી પિક્ચર' ફેમ વિદ્યા બાલને પોલીસમાં કરી FIR
- વિદ્યા બાલનના નામ પર એક વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી છે
Image Source: Twitter
મુંબઈ, તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવાર
Vidya balan fake insta id: સોશિયલ મીડિયા હાલના સમયમાં બોલીવુડ સ્ટાર્સને લોકો સાથે જોડી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે તો બીજી તરફ આ જ સોશિયલ મીડિયા ક્યારેક-ક્યારેક સ્ટાર્સ માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. ઘણી વખત અનેક બોલીવુડ સ્ટાર્સના નામ પર ફેક આઈડી બનાવીને અનેક લોકો તેનો ખોટો ઉપયોગ કરે છે.
વિદ્યા બાલને પોલીસમાં કરી FIR
હવે તાજેતરમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. 'ડર્ટી પિક્ચર' ફેમ વિદ્યા બાલનના નામ પર એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લોકોને મૂર્ખ બનાવીને છેતરપિંડી કરી છે. આ વ્યક્તિ વિરુદ્ધ વિદ્યા બાલને મુંબઈ પોલીસમાં પોતાની ફરિયાદ પણ નોંધાવી છે.
વિદ્યા બાલને આ મામલે તાજેતરમાં જ મુંબઈના ખાસ પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી છે.
મુંબઈ પોલીસે IPCની કલમ 66 હેઠળ આ કેસ દાખલ કર્યો
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિદ્યા બાલનના નામ પર એક વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી (vidya balan fake insta id) બનાવી છે. આ આઈડી પરથી તે લોકો પાસે પૈસાની ડિમાન્ડ કરી રહ્યો હતો અને એટલું જ નહીં તે લોકોને નોકરી અપાવવાનું પણ વચન આપી રહ્યો હતો. મુંબઈ પોલીસે IPCની કલમ 66 હેઠળ આ કેસ દાખલ કર્યો છે.
વિદ્યા બાલન ભલે હાલના દિવસોમાં ફિલ્મોમાં ઓછી નજર આવી રહી છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. વિદ્યા બાલનના ઈન્સ્ટાગ્રામ પર 9 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે ચાહકો સાથે મજેદાર રીલ્સ શેર કરતી રહે છે.