લગ્નમાં ગીત ગાવાથી ઓકાત ઓછી થાય છે...: અભિજીત ભટ્ટાચાર્યના આ નિવેદન પર પહેલા નેહા તો હવે મિલિંદ ગાબાએ આપ્યો જવાબ

Updated: May 1st, 2024


Google NewsGoogle News
લગ્નમાં ગીત ગાવાથી ઓકાત ઓછી થાય છે...: અભિજીત ભટ્ટાચાર્યના આ નિવેદન પર પહેલા નેહા તો હવે મિલિંદ ગાબાએ આપ્યો જવાબ 1 - image


Image: Facebook

Abhijeet Bhattacharya Statement: અભિજીત ભટ્ટાચાર્ય જેણે 1000થી વધુ ફિલ્મોમાં 6034 ગીતો ગાયા છે. 90ના દાયકાની દર બીજી ફિલ્મમાં પોતાના અવાજથી લોકોના દિલમાં રાજ કર્યું. અભિજીત જેટલું પોતાના ગીતને લઈને ચર્ચામાં રહે છે, તેટલું જ પોતાના વિવાદિત નિવેદનોને લઈને ઘેરાયેલો રહે છે. 90 દાયકામાં આ ગાયક ઈન્ડસ્ટ્રીના પણ સૌથી મનપસંદ સિંગર રહ્યો, પરંતુ સતત વિવાદોમાં ઘેરાવાના કારણે આજે સિંગર ગુમનામીનું જીવન જીવી રહ્યો છે. તાજેતરમાં જ તેણે એક ટીવી શો માં પહોંચીને એવું નિવેદન આપ્યું, તે બાદ પહેલા નેહા કક્કડ અને હવે પંજાબી સિંગર મિલિંદ ગાબાએ તેને જવાબ આપ્યો છે. 

અભિજીત ભટ્ટાચાર્ય ક્યારેક જજ તરીકે કોઈ શો માં તો ક્યારેક કોઈ શો માં ગેસ્ટ તરીકે નજર આવતો. તાજેતરમાં જ તે એક શો માં નજર આવ્યો. જ્યાં તેણે લગ્નમાં ગીત ગાતા સિંગર્સને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું. જોકે શો માં જ નેહા કક્કડે તેને પહેલા આકરો જવાબ આપી દીધો અને મિલિંદ ગાબાએ બે વીડિયો શેર કરીને તેને તેની હકીકત બતાવવાનો પ્રયત્ન કર્યો છે. 

એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિજીત, નેહા કક્કડના રિયાલિટી શો 'સુપરસ્ટાર સિંગર 3' માં નજર આવી રહ્યાં છે. તેની સામે ઈન્ડિયન આઈડલ વિનર સલમાન અલી ઊભેલો છે. અભિજીત ભટ્ટાચાર્ય ગુસ્સામાં બોલતો નજર આવી રહ્યો છે. 'કોઈ પણ રૂપિયા આપે અને સિંગર લગ્નમાં ગીત ગાવા લાગે, તેમાં ઓકાત ઘટી જાય છે. મારી ઓકાત છે, હુ કહી દઉં છુ કે હુ નહીં ગાઉ. દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી'. આ મુદ્દે નેહા કક્કડ પોતાના પક્ષ મૂકવાનો પ્રયત્ન કરે છે અને કહે છે, 'સર, કોઈ કામ મોટું-નાનું હોતું નથી'. જોકે, આ વાતથી અભિજીત સંમત થતો નથી.

અભિજીત ભટ્ટાચાર્યનો આ વીડિયો વાયરલ થયો, તો સિંગર મિલિંદ ગાબાને બિલકુલ પસંદ આવ્યો નહીં. તેણે સિંગરની વાતના જવાબમાં તેના અમુક વીડિયો શેર કરી નિશાન સાધ્યું છે. મિલિંદે અભિજીત ભટ્ટાચાર્યના બે વીડિયો શેર કર્યાં છે. જેમાં તેને સ્કુલમાં પરફોર્મ કરતો જોઈ શકાય છે. આ વીડિયો અભિજીતની યુવાનીના દિવસોનો લાગી રહ્યો છે. મિલિંદે વીડિયોના કેપ્શનમાં લખ્યુ, 'કોઈ દાદા-દાદી, કાકા-કાકી તમને જણાવી શકતાં નથી અને તમારી ઓકાત ફિક્સ કરી શકતા નથી. નેહા કક્કડને બિગ રિસ્પેક્ટ'.

તે બાદ તેણે વધુ એક વીડિયો શેર કર્યો, જેમાં અભિજીત કોઈ લગ્ન જેવા ફંક્શનમાં પરફોર્મ કરી રહ્યો છે. તે પોતાના ફેમસ ગીત 'તૌબા તુમ્હારે યે ઈશારે' જેવા ગીત ગાઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરતા મિલિંદ ગાબાએ લખ્યુ, તે શું હતુ? જેના ઘર કાચના હોય, તે બેઝમેન્ટમાં કપડા બદલે છે? એ જ હતું ને?' અભિજીત ભટ્ટાચાર્યના આ બંને વીડિયો પર લોકો નિશાન સાધી રહ્યાં છે.


Google NewsGoogle News