એક્ટ્રેસ નયનતારા સામે ફરિયાદ, ભગવાન રામના અપમાનનો આરોપ, જાણો સમગ્ર મામલો
- ફિલ્મ 'Annapoorani'માં ભગવાન શ્રી રામ અને હિન્દુ સમુદાયને ઠેસ પહોંચાડવાનો આરોપ
જબલપુર, તા. 10 જાન્યુઆરી 2024, બુધવાર
OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર બતાવવામાં આવી રહેલી ફિલ્મ 'Annapoorani'માં ભગવાન શ્રી રામ અને હિન્દુ સમુદાયને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને લીડ એક્ટ્રેસ નયનતારા સહિત આખી સ્ટાર કાસ્ટ વિરુદ્ધ મધ્ય પ્રદેશના જબલપુરમાં ધાર્મિક ભાવનાઓને ભડકાવવા મામલે એક હિન્દુવાદી સંગઠને FIR નોંધાવી છે.
ભગવાન રામનું અપમાન અને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
હિંદુ સેવા પરિષદના અતુલ જેસવાણીએ જણાવ્યું કે 'Annapoorani' ફિલ્મમાં એવા ઘણા દ્રશ્યો છે જે હિંદુ ધર્મના આરાધ્ય મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું અપમાન કરે છે. ફિલ્મમાં ભગવાન શ્રી રામ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરીને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. જેસવાણીના મતે ફિલ્મમાં લવ જેહાદ બતાવવામાં આવ્યો છે. ફિલ્મના કલાકારો દ્વારા એવું પણ બતાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રી રામ તેમના વનવાસ દરમિયાન પ્રાણીઓને મારીને માંસ ખાતા હતા.
આ લોકો વિરુદ્ધ FIR નોંધાઈ
હિંદુ સેવા પરિષદે ગઈ કાલે ફિલ્મ 'Annapoorani'ને હિંદુ વિરોધી ગણાવીને જબલપુરના ઓમતી પોલીસ સ્ટેશનમાં સ્ટાર કાસ્ટ સહિત નિર્માતા-નિર્દેશક વિરુદ્ધ FIR નોંધાવી છે. નીલેશ કૃષ્ણા (નિર્દેશક), નયનતારા (એક્ટ્રેસ), જતિન સેઠી (નિર્માતા), આર રવિન્દ્રન (નિર્માતા), પુનિત ગોઈકા (નિર્માતા), સારિક પટેલ અને મોનિકા શેરગિલ વિરુદ્ધ પોલીસે કલમ 153 અને 34 IPC હેઠળ કેસ દાખલ કર્યો છે.
ફિલ્મના આ દ્રૃશ્યો વિરુદ્ધ FIR નોંધાઈ
- ફિલ્મના લાસ્ટ સીનમાં બિરીયાની બનાવવા પહેલા મંદિરના પૂજારીની દીકરી હીજાબ પહેરીને નમાઝ અદા કરે છે.
- એવો આરોપ છે કે એક્ટરના મિત્ર ફરહાને એક્ટ્રસનું બ્રેઈનવોશ કરીને માંસ કપાવ્યુ હતું. કારણ કે તેનું કહેવું હતું કે, ભગવાન શ્રી રામ અને માતા સીતાએ પણ માંસ ખાધું હતું.
- ફિલ્મમાં એક્ટ્રેસ મંદિર જવાને બદલે રમઝાન ઈફ્તાર માટે ફરહાનના ઘરે જાય છે. ફિલ્મમાં છોકરીના પિતા સંધ્યા આરતી કરી રહ્યા છે અને દાદીમા માળાનો જાપ કરી રહ્યા છે પરંતુ તેમની પુત્રી માંસ ખાતી અને ખવડાવતી હોવાના દ્રશ્યો એકબીજા સાથે જોડાયેલા છે.
- એક્ટ્રેસના પિતા મંદિરના પ્રધાન પૂજારી છે. તેઓ સાત પેઢીઓથી ભગવાન વિષ્ણુ માટે ભોગ બનાવી રહ્યા છે પરંતુ તેની પુત્રીને મરઘી-માંસ બનાવતી બતાવવામાં આવી છે.
- હિન્દુ પૂજારીની દીકરી મુસ્લિમ યુવકના પ્રેમમાં પડે છે જેને રમઝાન ઈફ્તાર માટે જતો બતાવવામાં આવ્યો છે. હિન્દુ છોકરીને નમાઝ માટે પ્રેરિત કરવામાં આવી રહી છે.