ફિલ્મ સમીક્ષાઓ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત, પણ અભિવ્યક્તિની સ્વાતંત્ર્યનું શું?
Film Review and Freedom of Expression: 2024 નું વર્ષ ભારતીય સિનેમા માટે સંઘર્ષપૂર્ણ રહ્યું. મોટા બજેટની મોટાભાગની ફિલ્મો બોક્સઓફિસ પર ધબાય નમઃ થઈ ગઈ. જે થોડીઘણી સફળ થઈ એને માથે પણ સમીક્ષકોએ બરાબરના માછલાં ધોયા. સોશિયલ મીડિયાના પ્રતાપે હવે દર ત્રીજી-ચોથી વ્યક્તિ સમીક્ષક બની ગઈ હોય એવો માહોલ છે. લોકો પહેલા દિવસે પહેલા શોમાં ફિલ્મ જોઈને તરત જ પોતાનું મંતવ્ય સોશિયલ મીડિયા પર મૂકી દે છે, જે અન્યોને ફિલ્મ જોવા પ્રેરિત કરે અથવા તો હતોત્સાહ કરે છે. જાણીતા સમીક્ષકોના લાખો ફોલોઅર્સ હોય છે, જે સમીક્ષકોની સમીક્ષાની રીતસર રાહ જોતા હોય છે. આ મુદ્દે તાજેતરમાં તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી કંઈક એવું પગલું લેવાની માંગ ઊઠી છે જે આઝાદ દેશના નાગરિકની અભિવ્યક્તિસ્વાતંત્ર્ય છીનવી લે એવું છે.
કેવી માંગ ઊઠી?
તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નિર્માતાઓએ મદ્રાસ હાઈકોર્ટમાં એવી અરજ કરી છે કે ફિલ્મ રિલીઝ થાય એના ત્રણ દિવસ સુધી કોઈપણ ફિલ્મ સમીક્ષા ક્યાંય પણ જાહેર ન થવી જોઈએ. તેમના દ્વારા આ સમીક્ષાની આડમાં કરવામાં આવતા ફિલ્મના ‘અભિનેતાઓ પરના અંગત હુમલા’ની નિંદા પણ કરાઈ હતી.
આ ફિલ્મોને થઈ અસર
કોર્ટમાં કરાયેલી રજૂઆતમાં કહેવાયું છે કે નકારાત્મક સમીક્ષાને પરિણામે આ વર્ષે રિલીઝ થયેલી સૂર્યાની ‘કંગુવા’, કમલ હસનની ‘ઇન્ડિયન 2’, રજનીકાંતની ‘વેટ્ટાઇયન’ જેવી ફિલ્મો બોક્સઓફિસ પર નિષ્ફળ ગઈ છે.
ફિલ્મ સમીક્ષા કેટલી અસરકારક?
શું ખરેખર ફિલ્મ સમીક્ષાઓ ફિલ્મના વ્યવસાય પર અસર કરે છે? વાત ફક્ત તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી મર્યાદિત નથી. ભારતની તમામ ભાષાની ફિલ્મો અને વિદેશમાં પણ આ બાબત લાગુ પડે એમ છે. આ મુદ્દે અલગ-અલગ પ્રકારના અભિપ્રાય મળ્યા છે.
સમીક્ષકોનો અભિપ્રાય આવો છે
સમીક્ષકો કહે છે કે, કોઈને પણ ફિલ્મની સમીક્ષા આપવા પર રોક લગાવી શકાય નહીં. આજે અગણિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ત્યારે તમે ક્યાં-ક્યાં તાળાબંધી કરવા જશો? ફિલ્મ સમીક્ષા શું, કોઈપણ મુદ્દે લોકોને પોતાનો અવાજ ઊઠાવતા કોઈ રોકી નહીં શકે. કમસેકમ લોકશાહી દેશમાં તો આ શક્ય જ નથી. ‘અભિનેતાઓ પર અંગત હુમલા’નું કારણ આગળ કરીને તમે કદાચ બે-ચાર પર્ટિક્યુલર સોશિયલ મીડિયા ચેનલો કે એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાવી શકો, પણ હજારો ચેનલો અને એકાઉન્ટ્સને બંધ કરાવવા શક્ય જ નથી.
આ પણ વાંચોઃ અલ્લુ અર્જુને એક રાત જેલમાં વિતાવી, બીજી તરફ પુષ્પા-2એ કમાણીમાં તોડ્યા ચાર રેકૉર્ડ
દર્શકોનું શું કહેવું છે?
દર્શકોએ આ મુદ્દે એવો પ્રતિભાવ આપ્યો છે કે, અમે 200-250 રૂપિયાની ટિકિટો ખર્ચીને ફિલ્મ જોવા જઈએ છીએ. નાશ્તા-પાણીનો બીજો એટલો જ ખર્ચ થઈ જાય છે. 5 જણનો પરિવાર ફિલ્મ જોવા જાય તો સહેજે 2000-2500 નો ખર્ચ થઈ જાય. આવામાં દર્શકને પ્રામાણિક અભિપ્રાય આપતા કોઈ કઈ રીતે રોકી શકે? એને ફિલ્મ ગમી હશે તો ભરપેટ વખાણશે અને નહીં ગમી હોય તો નકારાત્મક ટિપ્પણી આપશે જ. એ એનો હક છે.
જમાનો ઝડપી થઈ ગયો છે
આધુનિક જમાનામાં ઝડપનો રોગ બધે પ્રસરી ગયો છે. ઇન્સ્ટન્ટ ફૂડથી લઈને ઓનલાઇન શોપિંગ સુધી બધે જ. તો ફિલ્મો એમાંથી કઈ રીતે બાકાત રહે? કોઈ જમાનામાં શુક્રવારે રિલીઝ?? થતી ફિલ્મની સમીક્ષા છાપામાં શનિવારે સવારે છપાતી અને એ વાંચીને લોકો શનિ-રવિ ફિલ્મ જોવા જવાની યોજના બનાવતા. પણ હવે એ દિવસો ગયા. હવે તો શુક્રવારે સવારે ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’ જોઈને બપોર સુધીમાં જ તો એની સમીક્ષા સોશિયલ મીડિયામાં ફરતી થઈ જાય છે.
સમીક્ષાની અસર ફક્ત નકારાત્મક નથી હોતી
સમીક્ષા નકારાત્મક હોય તો લોકો ફિલ્મ જોવાનું ટાળે છે તો સામે પક્ષે સમીક્ષા હકારાત્મક હોય તો થિયેટરો છલકાવી પણ દે છે. એટલે એમ કહી શકાય કે ફિલ્મ સમીક્ષાની ફક્ત નકારાત્મક જ અસર નથી થતી, એના ફાયદા પણ થાય છે.
ફિલ્મોમાં પણ અપવાદ હોય છે
જોકે, ઘણી ફિલ્મો સમીક્ષાની ‘મોહતાજ’ નથી હોતી, તાજેતરમાં રજૂ થયેલી અને તોતિંગ સફળતા પામેલી અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ એનું ઉદાહરણ છે. આ તેલુગુ ભાષી ફિલ્મને સમીક્ષકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે, છતાં દર્શકો થિયેટરોમાં તૂટી પડ્યા છે. ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વવ્યાપી રૂપિયા 1,000 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. આ ફિલ્મની સફળતા એ વાતની સાબિતી છે કે, ફિલ્મ સમીક્ષા જ છેવટનો માપદંડ નથી. આખરે તો દર્શક જ ‘રાજ્જા’ છે.
સમીક્ષાઓ ફિક્સ પણ થાય છે
મોટી ફિલ્મો રજૂ થાય ત્યારે એના નિર્માતા ભેટ-સોગાદો આપીને લાખો ફોલોઅર્સ ધરાવતા જાણીતા સમીક્ષકોને ‘ખરીદી’ લેતા હોવાના કિસ્સા પણ વર્ષોથી બનતા આવ્યા છે. એવા સમીક્ષકો પછી ફિલ્મના ખોટેખોટા વખાણ કરતા હોય છે. જોકે, આ ચાલ લાંબા ગાળે સફળ નથી થતી. ફિલ્મમાં દમ નહીં હોય તો દર્શકો વિખુખ થઈ જ જતા હોય છે. અલબત્ત, આવા કિસ્સામાં ફિલ્મને થનાર આર્થિક નુકશાન ઓછું થાય, એવું બની શકે.
અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું શું?
આપણે લોકશાહી દેશના નાગરિક છીએ. દેશના બંધારણે સૌને વાણી-સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યનો હક આપ્યો છે. એવામાં ત્રણ દિવસ માટે સમીક્ષા પર સદંતર પ્રતિબંધની માંગ કરવી એ મૂર્ખાઈ જ છે.
લાંબી વાતને ટૂંકમાં કહીએ તો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એમ જ કહેવાનું થાય કે, ફિલ્મ સમીક્ષા પર પ્રતિબંધની વાત વાજબી નથી, તમે કચરા જેવી ફિલ્મ બનાવો અને લોકો એને ધરાર જુએ અને વખાણે એવી અપેક્ષા રાખવી ખોટું છે. સારી ફિલ્મો બનાવો તો દર્શકો અને સમીક્ષકો આપોઆપ એને વધાવી લેશે. ખરું ને?