કંગના રનૌતની ફિલ્મ Emergency રિલીઝ પહેલા જ વિવાદોમાં, પ્રતિબંધ મૂકવાની માંગ
Image:Twitter
Emergency: કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી(Emergency) રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની સતત માંગ ઉઠી રહી છે. ફિલ્મમાં કંગના રનૌત ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. સમિતિનું કહેવું છે કે ફિલ્મમાં શીખ સમુદાયને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે.
કંગનાની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કેમ થઈ રહી છે?
એક રિપોર્ટ પ્રમાણે,શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધ્યક્ષ હરજિન્દર સિંહ ધામીનું કહેવું છે કે, અભિનેત્રી કંગના રનૌતે જાણીજોઈને શીખોના ચરિત્રનું હનન કરવાના ઈરાદાથી આ ફિલ્મ બનાવી છે, જે આ ફિલ્મમાં છે. શીખ સમુદાય દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. ફિલ્મના જે અંશો રિલીઝ કરવામાં આવ્યા છે તે સ્પષ્ટ કરે છે કે, ફિલ્મમાં જાણીજોઈને શીખોને અલગાવવાદી તરીકે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે અને આ ફિલ્મ એક કાવતરાનો ભાગ છે.
આ પણ વાંચો: કંગનાની ‘ઈમર્જન્સી’ ફિલ્મ પર પ્રતિબંધ મૂકો, ઈન્દિરા ગાંધીની હત્યા કરનારા બોડીગાર્ડના સાંસદ પુત્રની માગ
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન કમિટિના અધ્યક્ષે શું કહ્યું?
તેમણે કહ્યું હતું કે, "સમુદાય જૂન 1984માં શીખો પર કરવામાં આવેલી ક્રુરતાને ક્યારેય ભૂલી નહીં શકે અને સંત જરનૈલ સિંહ ભિંડરાનવાલેને શ્રી અકાલ તખ્ત સાહિબ દ્વારા "સમુદાયના શહીદ" જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કંગના રનૌતની ફિલ્મમાં તે (જરનૈલ સિંહ ભિંડરાવાલા) પાત્રનું હનન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."
કંગના સામે કેસ નોંધવાની માંગ
તેમણે વધુમાં કહ્યું કે, કંગના રનૌત અવારનવાર શીખોની ભાવનાઓને ભડકાવવાના નિવેદનો આપે છે. પરંતુ સરકાર તેમની સામે કાર્યવાહી કરવાને બદલે એકટ્રેસને બચાવી રહી છે. તેમનું માનવું છે કે કંગનાએ ફિલ્મ ઈમરજન્સી દ્વારા શીખોની ધાર્મિક લાગણી ભડકાવાનું કામ કર્યું છે અને સરકારે તેની સામે કેસ નોંધવો જોઈએ.