વરુણ અને જ્હાન્વીની ફિલ્મ ‘બવાલ’નું એફિલ ટાવર પર થશે પ્રીમિયર
નવી મુંબઇ,તા. 22 જૂન 2023, ગુરુવાર
વિશ્વની સાત અજાયબીઓમાં પેરિસના એફિલ ટાવરનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે વરુણ ધવન અને જ્હાન્વી કપૂરની ફિલ્મ 'બવાલ'નું પ્રીમિયર એફિલ ટાવર પર ધૂમ મચાવવા તૈયાર છે. વિશ્વની સાત અજાયબીઓમાં સમાવિષ્ટ પેરિસના એફિલ ટાવરમાં આ ફિલ્મનું પ્રીમિયર બતાવવાનું ફિલ્મના નિર્માતાઓએ નક્કી કર્યું છે, જેથી આ ફિલ્મને વિશ્વભરમાં ઓળખ મળી શકે.
દંગલ જેવી સફળ ફિલ્મનું દિગ્દર્શન કરી ચૂકેલા નિતેશ તિવારી ફરી એકવાર પોતાની ફિલ્મથી લોકોના દિલ જીતવા માટે પોતાની આગામી ફિલ્મ બવાલ લઈને આવી રહ્યા છે. જ્યાં, આ ફિલ્મનું પ્રીમિયર એફિલ ટાવરમાં થશે, જ્યારે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
બવાલ એફિલ ટાવર ખાતે પ્રીમિયર થનારી પ્રથમ ફિલ્મ
એફિલ ટાવર ખાતે ફિલ્મ બવાલના પ્રીમિયર સાથે આ ફિલ્મ ભારતીય સિનેમામાં ઈતિહાસ રચશે. એફિલ ટાવર ખાતે આ ફિલ્મના પ્રીમિયર સાથે, તે ભારતીય સિનેમાની પ્રથમ ફિલ્મ બની જશે જેનું પ્રીમિયર વિશ્વના કોઈ પ્રતિષ્ઠિત સ્થાન પર થશે. ફિલ્મનું પ્રીમિયર વિશ્વના પ્રતિષ્ઠિત સ્થાનમાં સામેલ એફિલ ટાવરની સાથે 200 દેશોમાં એક સાથે કરવામાં આવશે.
OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે
ફિલ્મ બવાલની રિલીઝ માટે OTT પ્લેટફોર્મ 'Amazon Prime' પસંદ કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા સાજીદ નડિયાદવાલાએ ફિલ્મને માત્ર OTT પ્લેટફોર્મ પર જ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે અને તેમણે ફિલ્મના કલાકારો અને દિગ્દર્શકની સંમતિથી આ નિર્ણય લીધો છે.
વરુણ ધવન અને જ્હાન્વી કપૂરની જોડી પહેલીવાર ફિલ્મ બવાલમાં સાથે જોવા મળશે. અગાઉ આ ફિલ્મની રિલીઝ ડેટ 7 એપ્રિલ 2023 હતી, જેને આગળ વધારવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, હવે આ ફિલ્મ જુલાઈમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
ફિલ્મની સ્ટોરીની જો વાત કરીએ તો, કહેવામાં આવી રહ્યું છે કે નિર્દેશક નિતેશ તિવારીની ફિલ્મ બવાલ વિશ્વ યુદ્ધ 2 પર આધારિત છે. આ ફિલ્મના કન્ટેન્ટને જોતા આ ફિલ્મને વૈશ્વિક સ્તરે લેવામાં આવી રહી છે. આને ધ્યાનમાં રાખીને, આ ફિલ્મનું પ્રીમિયર એફિલ ટાવરમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. જોવાનું એ રહેશે કે આ ફિલ્મને ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાંથી કેવો પ્રતિસાદ મળે છે.