ફેમિનિઝમ ફાલતુઃ પુરુષ પ્રેગનન્ટ થવા પછી જ સમાનતા આવે
- નીના ગુપ્તાએ વધુ એક વિવાદ સર્જ્યો
- મહિલાઓ આર્થિક રીતે પગભર બને, પરંતુ પુરુષની જરૂર તો પડે જ છે
મુંબઇ : વિખ્યાત અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાનાં બોલ્ડ સ્ટેટમેન્ટ દ્વારા વધુ એક વાર વિવાદ સર્જ્યો છે. ફેમિનિઝમ તો બહુ ફાલતુ વાત છે, મહિલાઓએ આવી બધી વાતોથી દોરવાયા વિના આર્થિક રીતે પગભર બનવા પર ધ્યાન આપવું જોઈએ તેમ તેણે કહ્યું છે. તેના આ નિવેદનના અનેક પ્રત્યાઘાત આવ્યા છે. જોકે, સંખ્યાબંધ લોકોએ નીનાની નિખાલસતાના વખાણ કર્યાં છે.
એક પોડકાસ્ટમાં નીનાએ કહ્યું હતું કે ફેમિનિઝમ તો સાવ ફાલતુ વાત છે. સ્ત્રી પુરુષ સમાનતા જેવું કાંઈ છે જ નહીં. બંને પોતપોતાની રીતે અલગ છે. જ્યારે પુરુષ પ્રેગનન્ટ થવા માંડશે ત્યારે જ સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા સર્જાઈ હોવાનું કહેવાશે. બાકી બધી વાત નિરર્થક છે.
તેણે કહ્યું હતું કે ગમે તે હોય પરંતુ સ્ત્રીઓને પુરુષ વિના ચાલતું નથી. સ્ત્રીઓને પુરુષની જરુર તો પડતી જ હોય છે. તેણે એક કિસ્સો શેર કર્યો હતો કે એકવાર એરપોર્ટ જતી વખતે એક માણસે તેનો પીછો કર્યા બાદ પોતે પાછી ઘરે જતી રહી હતી અને ફલાઈટ મિસ કરી દીધી હતી. બાદમાં તે એક પુરુષ મિત્રની મદદથી બીજા દિવસે એરપોર્ટ ગઈ હતી. નીનાએ કહ્યું હતું કે હાઉસવાઈફ હોય કે કોઈપણ સ્ત્રી હોય, મુખ્ય વાત તો એ છે કે તમારે આર્થિક રીતે પગભર બનવું જોઈએ અને તમારી જાતને ઓછી આંકવી જોઈએ નહીં.
નીનાના આ નિવેદનથી ઈન્ટરનેટ પર કોમેન્ટસનો ધોધ વરસ્યો હતો. કેટલાક લોકો સ્ત્રીને પુરુષનું અવલંબન જોઈએ જ તેવું કહેવા બદલ નીનાની ઝાટકણી કાઢી હતી.