Get The App

હોળી પર વિવાદિત ટિપ્પણી બાદ ફસાઈ ફરાહ ખાન, હિન્દુસ્તાની ભાઉએ નોંધાવી પોલીસ ફરિયાદ

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
હોળી પર વિવાદિત ટિપ્પણી બાદ ફસાઈ ફરાહ ખાન, હિન્દુસ્તાની ભાઉએ નોંધાવી પોલીસ ફરિયાદ 1 - image


FIR Filed Against Farah Khan: બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન એક મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. તાજેતરમાં જ તેની ઉપર હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. ત્યારબાદ હવે તેની સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હિંદુઓના પવિત્ર તહેવાર હોળી પર વિવાદસ્પદ કોમેન્ટ કરવાના કારણે તેની સામે FIR નોંધાઈ છે. 

આ ફરિયાદ હિન્દુસ્તાની ભાઉના નામથી ફેમસ વિકાસ પાઠકે પોતાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા નોંધાવી છે. ફરાહ ખાન પર આરોપ છે કે, તેણે હોળી માટે એક અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો છે, જેનાથી હિંદુ સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. આ મામલે મુંબઈના ખાસ પોલીસ સ્ટેશનમાં 21 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ ટેલિવિઝન શો 'સેલિબ્રિટી માસ્ટરશેફ'ના એક એપિસોડ દરમિયાન શરૂ થયો હતો. 

શો નો આ એપિસોડ 20 ફેબ્રુઆરીના રોજ ટેલીકાસ્ટ થયો હતો. આ શો માં ફરાહ ખાન જજની ભૂમિકા નિભાવી રહી હતી. ફરાહ ખાને સેલિબ્રિટી માસ્ટરશેફ શો માં વિવાદસ્પદ કોમેન્ટ કરતા કહ્યું કે, 'હોળી છપરીઓનો ફેવરિટ તહેવાર છે.' હવે તેની આ કોમેન્ટથી વિવાદ ઊભો થઈ ગયો છે. તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી અને તેને ખૂબ ટ્રોલ કરી. હિન્દુસ્તાની ભાઉનું કહેવું છે કે, આ કોમેન્ટ ન માત્ર મારા વ્યક્તિગત ધાર્મિક વિશ્વાસને ઠેસ પહોંચાડનારી હતી, પરંતુ તે સમગ્ર હિંદુ સમાજ માટે પણ અપમાનજનક હતી. 

આ પણ વાંચો: હોળી છપરીઓનો ફેવરિટ તહેવાર: ફરાહ ખાનના નિવેદન બાદ ગુસ્સે ભરાયા લોકો, માફીની માંગ

ફરાહ ખાનનું નિવેદન અત્યંત અસંવેદનશીલ અને અયોગ્ય

ફરિયાદી વિકાસ પાઠકના વકીલ અલી કાશિફ ખાન દેશમુખે જણાવ્યું કે, 'ફરાહ ખાનના નિવેદનથી હિન્દુ સમાજમાં ખૂબ નારાજગી છે. હોળી એક પવિત્ર અને પરંપરાગત તહેવાર છે, જે ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં ફરાહ ખાનનું નિવેદન અત્યંત અસંવેદનશીલ અને અયોગ્ય છે. તેમનું કહેવું છે કે આવા શબ્દોનો ઉપયોગ સમાજમાં સાંપ્રદાયિક તણાવ વધારી શકે છે, તેથી તેના પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.'

લોકોએ માફીની માગ કરી

ફરાહ ખાનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ બબાલ મચી ગયો છે. લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે અને ગુસ્સે ભરાયેલા લોકોએ માફીની માગ કરી રહ્યા છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર એ સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે, બોલિવૂડ સેલિબ્રિટિઝ હિંદુ તહેવારોની મજાક કેમ ઉડાવે છે? બીજી તરફ ઘણા લોકો ફરાહ ખાન સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. કેટલાક સંગઠનોએ પણ ફરાહ ખાનના નિવેદનની નિંદા કરી છે અને આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. 

અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે, પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરાહ ખાન વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે, આ મામલે આગળ શું કાનૂની પગલાં લેવામાં આવે છે? હાલમાં આ વિવાદ પર ફરાહ ખાન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. વિવાદ વધતા લોકો આશા રાખી રહ્યા છે કે, ફરાહ આ મુદ્દા પર સ્પષ્ટતા આપશે અને માફી માંગશે અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરશે.


Google NewsGoogle News