આલિયાની રામાયણ થીમ ધરાવતી સાડી પર ચાહકો ઓવારી ગયા
- અયોધ્યામાં રણબીર ટ્રેડિશનલ ધોતી કુર્તામાં, કેટરિના ગોલ્ડ સાડીમાં સજ્જ
- આલિયાની હેર સ્ટાઈલની પણ ચર્ચાઃ રણબીર-કેટરિના એક કાર્ટમાં આગળ પાછળ બેઠાં, અમિતાભ,માધુરી, રજનીકાંત સહિતના સેલેબ્સ હાજર
મુંબઇ : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ટાણે બોલીવૂડમાંથી અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કેટરિના કૈફ, આયુષ્યમાન ખુરાના, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, રણબીર કપૂર, કંગના રણૌત સહિતની બોલિવૂડ સેલિબ્રિટીઓ હાજર રહી હતી. તેમાં કંગના રામાયણ થીમ પરની સાડી પહેરીને આવતાં ઈન્ટરનેટ પર નેટયૂઝર્સ દ્વારા તેની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી.
રણબીર ભાગ્યે જ ટ્રેડિશનલ વસ્ત્રોમાં દેખાતો હોય છે. આજે સવારે મુંબઈ એરપોર્ટ પર અયોધ્યા જવા રવાના થતી વખતે તેને ધોતી કુર્તામાં સજ્જ જોઈ તેના ચાહકો નવાઈ પામ્યા હતા. જોકે, આલિયા ભટ્ટનું વસ્ત્ર પરિધાન સૌથી વધુ પ્રશંસા અને ચર્ચાનો વિષય બન્યું હતું. આલિયાએ ટર્કોઈઝ કલરની સાડી પહેરી હતી જેના પર ગોલ્ડન જરીની બોર્ડર હતી. તેની બોર્ડ પર ભગવાન શ્રી રામ, હનુમાનજી તથા રામસેતુ સહિતની તસવીરોની ભાત હતી. તેણે માથે મીંડીવાળી ચોટી બંને બાજુ બાંધી હતી. તેની સાડી અને હેર સ્ટાઈલની ભારે પ્રશંસા થઈ હતી અને ઈન્ટરનેટ પર આખો દિવસ ચર્ચાતી રહી હ તી. આલિયાએ સાડી સાથે બંધબેસતી શાલ પણ ધારણ કરી હતી અને સમગ્ર પરિધાનને મેચ કરતું પર્સ સાથે રાખ્યું હતું. સંખ્યાબંધ ચાહકોએ આલિયાના સાડીના ફોટા ઝૂમ કરીને ઈન્ટરનેટ પર શેર કર્યા હતા અને તેની રામાયણ થીમની ખાસ પ્રશંસા કરી હતી.
કેટરિના અને વિકી કૌશલ બંને ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ જોવા મળ્યાં હતાં. કેટરિનાની મેટાલિક ગોલ્ડ કલરની સાડીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમે સાડી સાથે પરંપરાગત ઝૂમખાં મેચ કર્યાં હતાં. તેની સાથે વિકી આવરી કલરના કુર્તા પાયજામામાં સજ્જ થયો હતો. કુર્તા પર તેણે જરી કામ ધરાવતી શાલ પહેરી હતી.
સમારંભ સ્થળે આલિયા-રણબીર અને કેટરિના-વિકી એક જ કાર્ટમાં ગોઠવાયાં હતાં. એક્સ પ્રેમીઓ રણબીર તથા કેટરિના આગળ પાછળ બેઠાં હતાં.
માધુરી પણ પતિ ડો. શ્રીરામ નેનેે સાથે હાજર રહી હતી. તેણે સનસાઈન યલો કલરની અને ગોલ્ડન બોર્ડર ધરાવતી સાડી પહેરી હતી. ડો. નેનેએ મરીન કલરનો ફૂલ સ્લીવ કુર્તા ધારણ કર્યો હતો.
કંગના રણૌત બે દિવસથી અયોધ્યા પહોંચી ચુકી હતી. તેણે આજના પ્રસંગે બીજ કલરની અને ગોલ્ડ ઝરી વર્ક ધરાવતી એમ્બ્રોઈડરીવાળી સાડી પહેરી હતી. તેણે સમારંભસ્થળ પાસે મહત્તમ ફોટા પડાવ્યા હતા. તેણે બહુ હેવી લાલ રંગની શાલ પણ ધારણ કરી હતી.
મનોરંજનની દુનિયામાંથી રજનીકાંત, શેફાલી શાહ, રાજકુમાર હિરવાણી, સુભાષ ઘઈ, રોહિત શેટ્ટી, મધુર ભંડારકર, વિવેક ઓબેરોય, ચિરંજીવી, રામચરણ સહિતની હસ્તીઓ હાજર રહી હતી.