પાઈરેટ્સ ઓફ કેરેબિયનમાંથી જ્હોની ડેપનું પત્તું કપાતાં ચાહકો નારાજ
- હેનરી કેવિલ નવો જેક સ્પેરો બનશે
- નારાજ થયેલા ચાહકોએ ફિલ્મનો બોયકોટ કરવાની ચિમકી આપી
મુંબઇ : જોની ડેપ હવે કેપ્ટન જેક સ્પેરોના પાત્રમાં જોવા નહીં મળે. 'પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન ૬'માંથી જોની ડેપનું પત્તુ કપાઇ ગયું છે અને તેના સ્થાને હેનરી કૈવિલ ગોઠવાઇ જાય તેવી શક્યતા છે.
જોની ડેપ અને ફિલ્મ નિર્માતા કંપની ડિઝની વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે ડેપ આ ફ્રેન્ચાઈઝી છોડી રહ્યો હોવાનું લાંબા સમયથી ચર્ચાતું હતું. જોકે, આ ફેરફાર ચાહકોને ગમ્યો નથી. તેમણે જોની ડેપ વગર આ ફિલ્મ બનાવાશે તો ફિલ્મનો બહિષ્કાર કરવાની ચિમકી પણ આપી દીધી છે. જોની ડેપ અને તેની પત્તની એમ્બર હર્ડના છૂટાછેડા થઇ હયા છે. છૂટાછેડાના એક વરસ પછી જોનીની પત્ની એમ્બર હર્ડે એક આર્ટિકલમાં મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા અને દુવ્યવહારનો મુદ્દો ચગાવ્યો હતો. જોકે તેણે તેમાં તેના ભૂતપૂર્વ પતિ જોની ડેપનું નામ લીધું નહોતું. પરંતુ લોકોએ એમ્બર હર્ડના આ મુદ્દાને જોની સાથે જોડયો હતો અને વિવાદ ચગ્યો હતો. પરિણામે ડિઝ્નીએ જોનીને 'પાઇરેટ્સ ઓફ કરેબિયન ૬'માંથી દૂર કરવાનું નક્કી કર્યું હતું.
ઈન્ટરનેટ પર આ મુદ્દે ચાહકો બે છાવણીમાં વહેંચાઈ ગયા છે. કેટલાકે લખ્યું છે કે નવા કલાકારને પણ પોતાની પ્રતિભા બતાવવાની તક મળે તો ખોટું નથી. જોકે, બહુમતી ચાહકોનું કહેવું છે કે કેપ્ટન જેક સ્પેરો તરીકે જોની ડેપની ભૂમિકા એક આઈકોનિક રોલ છે. તેની સાથે ચેડાં ન થવાં જોઈએ. આ રીતે ફ્રેન્ચાઈઝી તેનો ચાર્મ ગુમાવી બેસશે.