મશહૂર પ્લેબેક સિંગર અને ગઝલ ગાયક ભૂપીન્દર સિંહનું અવસાન
મુંબઈ, તા. 19 જુલાઈ 2022,મંગળવાર
દેશ દુનિયાના સંગીતપ્રેમીઓને ભારે હચમચાવી દેનારા એક સમાચાર રૂપે સુવિખ્યાત પ્લેબેક સિંગર અને ગઝલ ગાયક ભૂપીન્દરસિંહનું લાંબી માંદગી બાદ આજે મોડી સાંજે મુંબઈમાં અવસાન થયું હતું.
ઘેરા અને ઘૂંટાયેલા કંઠના માલિકે લાંબી માંદગી બાદ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા : લાખો ચાહકોને ભારે આઘાત
ઘેરા અને ઘૂંટાયેલા કંઠે હિંદી સિનેમાના અનેક લોકપ્રિય અને સદાબહાર ગીતો તથા ગઝલો સહિતના પ્રાઈવેટ આલ્બમો માટે કંઠ આપનારા ભૂપીન્દર સિંહે ૮૨ વર્ષની વયે આજે રાતે. ૭.૪૫ કલાકે મુંબઈના અંધેરીમાં એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમનાં પત્ની અને સૂરોની સફરમાં તેમના સાથીદાર મિતાલીએ જ આ પીડાજનક સમાચાર આપ્યા હતા.
કરોગે યાદ તો હર બાત યાદ આયેગી, નામ ગુમ જાયેગા મેરી આવાઝ મેરી પહચાન હૈ જેવાં તેમના ગીતો દાયકાઓથી સંગીતપ્રેમીઓનાં હૈયે હતાં.
મિતાલી સિંહે જણાવ્યું હતું કે દસ દિવસથી તેમની તબિયત ખરાબ થઈ હતી. તેમને અંધેરીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોલોન સહિતની તકલીફોને લીધે તેમની સ્થિતિ ગંભીર બનતાં તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા. જ્યાં હૃદય બંધ પડી જવાથી રાતે પોણા આઠ વાગ્યે તેમનું નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે.
પંજાબના અમૃતસરમાં જન્મેલા ભૂપીન્દર સિંહને પિતા તરપથી સંગીતનો વારસો મળ્યો હતો. તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો પર કારકિર્દી શરૂ કરી હતી. દિલ્હી દૂરદર્શનમાં પણ કાર્યક્રમો આપ્યા હતા. ૧૯૬૨માં સંગીતકાર મદનમોહને તેમને ગિટાર વગાડતાં સાંભળ્યા હતા. તેમને મુંબઈ આવી જવા આમંત્રણ પાઠવ્યું હતું અને હકીકત ફિલ્મમાં હોકે મજબૂર મુજે ઉસને બુલાયા હોગા ગીત મહમ્મદ રફી, મન્નના ડે અને તલત મહેમૂદ સાથે ગાવાનો ચાન્સ આપ્યો હતો. ખૈયામે તેમને ઋત જવાંમાં સોલો સોંગનો મોકો આપ્યો હતો. તે પછી તેમણે બોલીવૂડમાં પ્લેબેક સિંગિંગમાં અનેક યાદગાર ગીતો ગાવાનો મોકો મળ્યો હતો. ગુજરાતી ગઝલો તથા સુગમ સંગીતમાં પણ તેમણે અનેક યાદગાર રચના આપી હતી. એકલા જવાના મનવા..એકલા જવાના તેમનું યાદગાર ગીત છે. ભૂપીન્દર સિંહે સંખ્યાની દૃષ્ટિએ અન્ય પ્લેબેક સિંગર કરતાં ઓછાં ગીતો ગાયાં હશે પરંતુ જેટલાં પણ ગાયાં છે તે તમામ યાદગાર છે.
તેમના નિધનના સમાચાર સાંભળતાં બોલીવૂડ અને સંગીતની દુનિયામાં ભારે આઘાત છવાયો હતો. અનુપ જલોટાએ કહ્યું હતું કે ભૂપીન્દરજી અનોખા અવાજના માલિક હતા. ગિટારવાદક તરીકે તેઓ બોલીવૂડમાં આવ્યા પરંતુ બાદમાં પાર્શ્વગાયનમાં નામના મેળવી હતી. એમનો કંઠ એમની ઓળખ હતો.
ભૂપીન્દરના લોકપ્રિય ગીતો
દિલ ઢૂંઢતા હૈ
નામ ગુમ જાયેગા
એક અકેલા ઈસ શહરમેં
બીતી ના બીતાયે રૈના
હુઝુર ઈસ કદર
કરોગે યાદ તો હર બાત
કિસી નઝર કો તેરા ઈન્તજાર
મેરા રંગ દે બસંતી ચોલા
પ્યાર હમે કિસ મોડ પે લે આયા